હથિયારો સાથે હુમલા અને પથ્થરમારામાં બંને પક્ષના 14 સામે રાયોટીંગનો ગુનો નોંધાયો હતો
આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવીને કાયદાના પાઠ ભણાવાયા
વડોદરા તારીખ 8
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઇ હતી.
ઘટનામાં બંને પક્ષના લોકો વચ્ચે હથિયારો તથા પથ્થરોથી સામસામે હુમલો કરવા લાગ્યા હતાં જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. બાપોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 11 આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરીને ઉઠક બેઠક કરાવીને કાયદાના પાઠ ભણાવ્યા હતા.
આજવા રોડ પરના એકતાનગરમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતા જોતા વિવાદ ઉગ્ર બન્યો અને બંને પક્ષના લોકો સામસામે આવી હથિયારો અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. બાપોદ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોની ફરિયાદના આધારે 14 લોકો સામે રાયોટીંગ સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.
પોલીસ કમિશ્નર નરસિંહા કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડિયા ની સૂચના હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.યુ. પસ્તાગીયાની ટીમે ઝડપી કામગીરી હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોનાં નિવેદનના આધારે 14માંથી 11 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓમાં ફિરોઝ ઉર્ફે હુક્કા મન્સુરી, ઇમરાન ઉર્ફે ઇલો મન્સુરી, સાહિલ મન્સુરી, સમીર ઉર્ફે કાકા પઠાણ જુબેર મન્સુરી, સલીમુદ્દીન શેખ, તમીજુદીન શેખ બશીરભાઈ મલેક અને ફારુક ઉર્ફે બબલુ પઠાણ સહિતના શખ્સોનો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા આરોપીઓને કાન પકડાવી બેઠક કરાવીને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા રાત્રી દરમિયાન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ પણ સઘન રીતે કરવામાં આવી રહ્યું છે.