
( પ્રતિનિધી )વડોદરા,તા.17
વડોદરા : રોડ વિભાગમાં કામ અર્થે જઈ રહેલા શ્રમિકો ભરેલી બોલેરો પીકપ ગાડીનો અકસ્માતો સર્જાયો હતો. આજવા નિમેટા રોડ પાસે બોલેરો પીકપ ગાડી નું ટાયર પંચર થતાં સ્ટેરીંગ પરનો કાબુ ચાલકે ગુમાવ્યા બાદ ગાડી ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈને પલટી ખાઈ ગઈ હતી. ગાડીમાં સવાર દસથી વધુ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


વડોદરા શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતમાં બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં આજરોજ વધુ એક અકસ્માતની ઘટના આજવા નિમેટા રોડ ઉપર બની હતી. જરોદ પાસેના લીલોરા વસાહતના શ્રમિકો વડોદરા રોડ વિભાગની કામગીરી માટે બોલેરો પીકપ ગાડીમાં સવાર થઈ આવી રહ્યા હતા. આ દરમિયાન નિમેટા રોડ ઉપર અચાનક બોલેરો પીકપ ગાડીનું ટાયર પંકચર થતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ગાડી ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ પલટી ખાઈ ગઈ હતી. આ ગાડીમાં આશરે 30 જેટલા શ્રમિકો સવાર હતા. જેમાંથી દસથી વધુ શ્રમિકોને ઈજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યારે અન્ય શ્રમિકોને નાની મોટી સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.