આજવા સરોવરના નવા બેરેજથી પૂર નિયંત્રણ વધુ મજબૂત બનશે
પાણી છોડવાની સુવિધા માટે 650 ફૂટ લાંબું બેરેજ ચોમાસા પછી બનશે
ગયા વર્ષે વડોદરામાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના અનુભવે હવે શહેર માટે આગોતરી તૈયારીના ભાગરૂપે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. હવે આજવા સરોવરના હાલના બેરેજની નીચે નવું બેરેજ બનાવાશે. આ કામગીરી માટે અંદાજિત ખર્ચ રૂ. 80 કરોડનો રહેશે અને આ કામ રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા કરાશે. સરકાર દ્વારા પૂરને ધ્યાનમાં રાખીને રચાયેલી નવલાવલાની અધ્યક્ષતાવાળી સમિતિએ પૂર નિવારણ માટે વિવિધ સૂચનો આપ્યા હતા. તેમાં આ સૂચન સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં બેરેજ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને શક્યતા છે કે ચોમાસા બાદ કામગીરી શરૂ થઈ જશે. કામ મેહુલ જીઓ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે.
હાલમાં આજવા સરોવરમાં પૂર આવતા પાણી છોડી દેવા માટે 62 ઓટોમેટિક દરવાજાવાળું વેસ્ટ વીયર છે, જેની કુલ વહન ક્ષમતા 11,200 ક્યુસેકસ છે. સરોવરની સંપૂર્ણ સપાટી 213.85 ફૂટ છે અને 211 ફૂટ પર દરવાજા મુકાયેલ છે. એટલે કે આ દરવાજાઓ 211 ફૂટથી નીચેનું પાણી છોડવા સક્ષમ નથી. જે કારણે જળાશયમાં માત્ર 214 થી 211 સુધીનો જ અંદાજે 14.55 મિલિયન ક્યુબિક મીટર (MCM)ની જ પાણીની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ થાય છે. આપત્તિના સમયે વધુ પાણી છોડવું જરૂરી હોય ત્યારે હાલની વ્યવસ્થામાં મર્યાદા આવે છે. નવી બેરેજ બનાવ્યા બાદ 206 ફૂટ સુધી પાણી છોડવાની વ્યવસ્થા ઉભી થશે, એટલે કે વધુ પાણીની સંગ્રહ ક્ષમતા તૈયાર કરી શકાશે. આ નવી બેરેજની લંબાઈ 650 ફૂટ હશે અને તેમાં 206 ફૂટ ક્રેસ્ટ લેવલના 25 દરવાજા મુકાશે. અંદાજિત દરવાજાની ઊંચાઈ 26 ફૂટ અને પહોળાઈ 8 ફૂટ રહેશે.
આ નવી વ્યવસ્થાથી આખા જળાશયમાં ઉપલબ્ધ પાણીના સંગ્રહ ક્ષમતા 14.55 MCMથી વધીને 33.76 MCM થશે. વધુમાં, નવા બેરેજના કારણે પૂર સમયે પાણી છોડવાની ક્ષમતા 11,200 ક્યુસેકસમાંથી વધીને લગભગ 24,000 ક્યુસેકસ થાય તેમ છે. આથી વરસાદ પહેલા જ વધુ પાણી ખાલી કરી શકાશે અને પૂર જેવી પરિસ્થિતિ સંભવતઃ ટાળી શકાય તેમ છે. સરકાર પાસેથી મંજૂરી મળ્યા બાદ ચોમાસા પૂર્ણ થયા પછી બેરેજનું કામ શરૂ કરાશે.