વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો આગામી શુક્રવાર થી પારો 7 થી 10ડિગ્રી સુધી નીચે ઉતરવાની આગાહી
સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 31.0°સે., લઘુત્તમ તાપમાન 15°સે..4° અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 38% નોંધાયું
(પ્રતિનિધિ) વડોદરા તા. 27
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે જેના કારણે શહેરીજનો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ કરી રહ્યા છે. મહત્તમ તાપમાનમાં સામાન્ય થી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ 4ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે.
ઉતરાયણ બાદ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા વડોદરા શહેરમાં દિવસ દરમિયાન ખાસ કરીને બપોરે શહેરીજનો ગરમીનો અનુભવ કરી રહ્યા છે.છેલ્લા દસ દિવસથી હવામાનમાં શુષ્કતા જોવા મળી રહી છે તેના કારણે શહેરીજનોને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે મોડી રાતથી વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે જ્યારે સવારે દસ વાગ્યાથી મોડી સાંજ દરમિયાન ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. દિવસ દરમિયાન લોકો ઘરોમાં તથા ઓફિસ વિગેરેએ પંખો ચલાવતા જોવા મળી રહ્યાં છે.જો કે છેલ્લા બે દિવસથી સમી સાંજથી ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે
આજથી ત્રણ દિવસ સુધી તાપમાન સામાન્ય રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.જ્યારે આગામી શુક્રવારથી ફરી એકવાર ઠંડીનું જોર વધવાની શક્યતા સેવાઈ રહી છે કારણ કે, હિમાલયના પર્વતીય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી બરફવર્ષા શરૂ થઇ છે સાથે જ પવનની દિશા પણ બદલાઇ છે ઉતર થી દક્ષિણ પૂર્વ દિશામાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. જો આ રીતે બરફવર્ષા ચાલુ રહેશે તો તેના કારણે આગામી શુક્રવારથી ફરી એકવાર ઠંડીનું વાતાવરણ જોવા મળશે અને તાપમાનનો પારો 7 થી 10ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે.આગામી તા. 29જાન્યુઆરી થી 03ફેબ્રુઆરી સુધી તીવ્ર અને ઠંડા પવનો લોકોને ધ્રૃજાવી શકે છે સાથે જ વહેલી સવારે ઝાકળ નું પ્રમાણ વધવાની શક્યતા છે જ્યારે ઉતર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધુ અનુભવી શકાશે સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન 31.0°સેલ્સિસય , લઘુત્તમ તાપમાન 15.4° સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાનમાં ભેજનું પ્રમાણ 38% જેટલું જોવા મળ્યું હતું.
શિયાળાની ઠંડીમાં અનિયમિત વધઘટ જોવા મળી રહી છે આગામી શુક્રવાર સુધી તાપમાન સામાન્ય રહેશે જ્યારે શુક્રવાર થી ઠંડીનું જોર વધશે.હાલમા શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે જેના કારણે ખાસ કરીને ખાંસી, ગળામાં તકલીફ અનુભવાઇ રહી છે અને દર્દીઓનું પ્રમાણ વધ્યું છે.
