Vadodara

આગામી 12મે સુધી રાજ્યમાં કમોસમી છૂટોછવાયો વરસાદ થવાની આગાહી

મંગળવારે શહેરમાં મહત્તમ તાપમાનમાં 8ડિગ્રી સે.સુધીનો ઘટાડો થતાં આકરી ગરમીથી રાહત, રાત્રે ઠંકકભર્યુ વાતાવરણ

(પ્રતિનિધિ) વડોદરા તા. 06

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પ્રિમોન્સૂનની એક્ટિવીટી થી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.સોમવારે સાંજે મધ્ય ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના ભાગોમાં ગાજવીજ, પવનો સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો જેના કારણે કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે સાથે જ સોમવારે વાવાઝોડા સાથે વરસાદથી ખેતપેદાશો ને વ્યાપક નુકસાન થયું છે. આગામી 12 મે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પવનો સાથે છૂટોછવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે સાથે જ અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પ્રિમોન્સૂનની એક્ટિવીટી થી રવિવારથી ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે જ કરા પડયા છે.સોમવારે સાંજે વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતમાં સાંજે ગાજવીજ, પવનો સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો જેના કારણે મહત્તમ તાપમાનમાં 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો હતો જેના કારણે એક તરફ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે.રાત્રી દરમિયાન વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે જ્યારે સમગ્ર રાજ્યમાં સોમવારે સાંજે છ વાગ્યાથી મંગળવાર સુધીમાં એક થી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ તોફાની પવનો સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જ્યારે વડોદરા શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો પડવાના,હોર્ડિગ્સ તથા જર્જરિત ઇમારતો ની કાંગરા ખરવાના બનાવો બન્યા છે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ કુલ પંદર લોકોના મોત નિપજ્યા છે જેમાં વડોદરા શહેરમાં જ ત્રણ લોકોના મોત થયા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તા. 10 મે સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે સાથે જ તા.11 અને 12 મે દરમિયાન પવનો સાથે ગાજવીજ સહિત છૂટાછવાયા કમોસમી વરસાદની સંભાવના છે. રાજ્યના કેટલાક ભાગોમાં મંગળવારે પણ વરસાદ થયો હતો જેમાં કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો જ્યારે વડોદરા શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વડોદરામાં મંગળવારે મહત્તમ તાપમાન 32.4ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 47% રહેવા પામ્યું હતું. તા. 07 મેના રોજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે સાથે જ મધ્ય ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં પવનો સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

Most Popular

To Top