( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા સહિત રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બર્ફીલા પવનોને કારણે આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. સોમવારે વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 27.4 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 13.2. ડીગ્રી સાથે ભેજનું પ્રમાણ સવારે 89 % અને સાંજે 47 % નોંધાયું હતું.
ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગાહી મુજબ, આવનારા દિવસોમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે, જેનાથી નાગરિકોને વધુ ઠંડીનો અહેસાસ થશે. 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત છે અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે. જોકે, રાત્રિના સમયે પવનની ગતિમાં વધારો થવાને કારણે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાશે. જોકે, નિષ્ણાંતોના મતે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે જાન્યુઆરીમાં ઠંડીને વેગ મળવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે. આ સાથે હળવા ધુમ્મસની ચાદરો પણ જોવા મળી શકે છે. જેના કારણે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. હાલમાં કેટલાક દિવસોથી ઠંડીનો પારો સામાન્ય ઘટી રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જેથી નગરજનોને ગરમ વસ્ત્રો ધારણ કરી બહાર નીકળવાની ફરજ પડી છે.