Vadodara

આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા

ઉત્તર ભારતના હવામાન ફેરફારની અસર, વડોદરામાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ

(પ્રતિનિધિ) વડોદરા, તા. 15
શહેરમાં ઠંડીનો ચમકારો હવે ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે. સોમવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે નગરજનોને ગરમી અનુભવાઈ રહી છે.
વડોદરા શહેરમાં ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાતા ઠંડા પવનને કારણે લઘુત્તમ તાપમાનનો પારો 13 ડિગ્રી સુધી ઉતર્યો છે. પરિણામે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડી વધુ અનુભવાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતા લઘુત્તમ તાપમાન ધીમે ધીમે ગગડી રહ્યું છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં આશરે ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે.
સોમવારે શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા અને સાંજે 30 ટકા નોંધાયું હતું. વહેલી સવારે શાળાએ જતા બાળકો સાથે તેમના વાલીઓ પણ ઠંડીથી ઠૂંઠવાતા નજરે પડ્યા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં મોડીરાત્રે અને વહેલી સવારે લોકો તાપણાં કરીને ઠંડીથી બચાવ મેળવી રહ્યા છે.

Most Popular

To Top