આગામી 22માર્ચથી મહત્તમ તાપમાનમાં 2 થી 3ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે.
(પ્રતિનિધિ) વડોદરા તા. 19
આગામી ત્રણ દિવસ બાદ સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તા.22 માર્ચથી મહત્તમ તાપમાનમાં 2 થી 3ડિગ્રી સુધીનો વધારો જોવા મળશે. મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હાલમાં માર્ચ મહિનાના મધ્યાહ્ને ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ બાદ એટલે કે તા 22 માર્ચથી ગરમીને લઇને અગમચેતી રાખવા ચેતવણી જાહેર કરી છે. આગામી તા.22માર્ચથી ગરમીનો પારો ઉંચકાશે જેમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3ડિગ્રી સુધીનો વધારો જોવા મળશે.ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 37.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 19.6ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું સાથે જ હવામાં ભેજનું પ્રમાણ 16% રહેવા પામ્યું હતું. હાલમાં શહેરમાં જે રીતે ગરમી પડી રહી છે તેના કારણે બપોરે શહેરના રોડ રસ્તાઓ સૂમસામ બની જાય છે લોકો કામ વિના બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. આકરી ગરમીને કારણે લોકો ઠંડા પીણાં અને રસઘર નો સહારો લેતા નજરે પડે છે તે જ રીતે તાપથી બચવા માટે ટોપી ચશ્મા, હાથમોજા સાથે જ છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં તાપમાનમાં 1 થી 2ડિગ્રી સુધીની વધઘટ જોવા મળી રહી છે પરંતુ આગામી તા.22 માર્ચથી મહત્તમ તાપમાનમાં 2 થી 3ડિગ્રી સુધીનો વધારો જોવા મળશે સાથે જ આગામી માર્ચના અંત થી મે મહિના સુધી ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળશે.
