Vadodara

આગામી તા.22 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર સુધી એટલે કે આ વર્ષે દસ દિવસીય નવરાત્રિ દરમિયાન કેવી રીતે પૂજન કરવું?

આગામી તા.22 સપ્ટેમ્બર થી શારદીય આસો નવરાત્રિ નો પ્રારંભ થશે. નવલી નવરાત્રિમાં માં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી નું એક સ્વરૂપ એટલે માં જગદંબા છે. માં નવદુર્ગાની પૂજા અર્ચનાથી શક્તિનો સંચાર થાય છે.આધ્યાત્મિક અનુષ્ઠાન માટે નવરાત્રિ પર્વનું વિશેષ મહત્વ છે. લંકા પર રાવણ સામેના યુધ્ધ પૂર્વે ભગવાન શ્રી રામે પણ નવરાત્રિમાં અનુષ્ઠાન કર્યું હતું અને વિશેષ શક્તિ પ્રાપ્ત કરી દશેરાના દિવસે યુદ્ધ કરી રાવણને પરાજય આપ્યો હતો અને લંકા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. નવરાત્રિ દરમિયાન કળશ સ્થાપન એટલે કે ઘટ સ્થાપન કરવામાં આવે છે સાથે જ અખંડ દિપનુ વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે શારદીય આસો નવરાત્રિ તા.22 સપ્ટેમ્બર,2025 ને સોમવારથી શરૂ થઇ રહી છે ત્યારે ઘટસ્થાપન,કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત આસો સુદ એકમ ને સવારે ક. 6:09 મી. થી સવારે ક.08:06 મી. સુધી ઉત્તમ છે ત્યારબાદ ક.11:45મી. થી બપોરે ક.12:40 સુધી શ્રેષ્ઠ છે.

આસો સુદ એકમ ને સોમવારથી શારદીય આસો નવરાત્રિની શરુઆત હસ્તનક્ષત્રનો દુર્લભ યોગ બની રહ્યો છે. માં દુર્ગાની સવારી હાથી પર બિરાજમાન થઇને ભવાની માં ના સ્વરુપે આવશે જેમની સ્થાપના કરવામાં આવશે. શારદીય નવરાત્રિ દરમિયાન બ્રાહ્મણો પાસે નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, નવચંડી પાઠ કરાવવું એ ઉત્તમ ગણાય છે સાથે જ કુંવારિકાઓ ના પૂજનનો પણ વિશેષ મહિમા છે. નવરાત્રિ દરમિયાન કુંવારિકાઓ ના પૂજન પછી તેઓને શૃંગાર ની ચીજવસ્તુઓ દાનમાં આપવી જોઈએ. આ વર્ષે નવરાત્રિ દરમિયાન ત્રીજ વૃદ્ધિ તિથિ હોવાથી બે દિવસ એટલે કે તા.24 અને 25 સપ્ટેમ્બર છે જેના કારણે નવરાત્રિ 10 દિવસ ની રહેશે. આ વર્ષે આસો સુદ આઠમ એટલે કે દુર્ગાષ્ટમી,મહા અષ્ટમી માં ના વાર એટલે કે મંગળવારે છે દુર્ગાષ્ટમી નિમિત્તે નવાણ મંત્રથી માતાજીનો યજ્ઞ કરવામાં આવે છે તેથી જ દુર્ગાષ્ટમી ને અવનાષ્ટ્મી પણ કહેવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન આર્થિક લાભ તથા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિરૂપુષ્ટ શ્રીયંત્રને શ્રી સુક્તમ્ દ્વારા પંચામૃત અભિષેક, કેસર યુક્ત અભિષેક તથા અતરવાળા જળથી સિદ્ધ કરવામાં આવે છે આ સિદ્ધ કરાયેલ શ્રીયંત્રના નિત્ય દર્શન અને પૂજનથી મહાલક્ષ્મી ની કૃપા સદાય રહે છે.

નવરાત્રિ દરમિયાન માં નવદુર્ગાના નવ દિવસ સુધી નવ સ્વરૂપોની પૂજાનું વિશેષ મહત્વ હોય
પ્રથમ નોરતે માતા શૈલપુત્રી
બીજા નોરતે માતા બ્રહ્મચારિણી
ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટા
ચોથ નોરતે માતા કુષ્માંડા
પાંચમા નોરતે માતા સ્કંદમાતા
છઠ્ઠા નોરતે માતા કાત્યાયની
સાતમા નોરતે માતા કાલરાત્રિ
આઠમા નોરતે માતા મહાગૌરી
નવમા નોરતે માતા સિદ્ધિદાત્રી નું પૂજન કરવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન સાધકોએ તથા વ્રત ઉપવાસ કરતા માંઇ ભક્તોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.જમીન પર ચટાઇ પર સૂવું જોઈએ.ઘરમા નવરાત્રી દરમિયાન લસણ, ડુંગળી નું કોઇએ સેવન ન કરવું જોઈએ. માતાજીની પૂજા, અર્ચના,ધ્યાન,જપ અને અનુષ્ઠાન નું વિશેષ મહત્વ હોય નવ દિવસ સાધકોએ, માઇભક્તોએ પવિત્રતા સાથે માંની આરાધના, અનુષ્ઠાન કરવા જોઈએ. સાધકોએ
ૐ દમ દુર્ગેયી નમ: આ મંત્ર દેવી દુર્ગાને સમર્પિત છે તથા ૐ ઐમ હ્રીં ક્લીમ ચામુંડાયૈ વિચ્ચૈ આ નવ અક્ષરનો મંત્ર છે જે ભગવતીએ દેવોને પ્રદાન કર્યો છે તેના જાપ કરવા જોઈએ.

-જ્યોતિષાચાર્ય શાસ્ત્રી નયનભાઇ જોશી

Most Popular

To Top