ટ્રાફિક પોલીસ દ્વારા એસ.ટી.વિભાગ અને રિક્ષા યુનિયન સાથે સંકલન કરી પરીક્ષાના ઉમેદવારો ને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા સૂચનાઓ અપાઈ
( પ્રતિનિધિ) વડોદરા તા. 13
આગામી તા 15-06-2025 ના રોજ શહેરના અલગ અલગ સ્થળોએ લોક રક્ષક દળ ની પરીક્ષા લેવાનાર છે ત્યારે આ પરીક્ષા માટે અન્ય જિલ્લામાંથી આવનાર પરીક્ષા ના ઉમેદવારો ને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર ની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક શાખા) દ્વારા એસ.ટી.વિભાગ તથા રિક્ષા યુનિયનના હોદેદારો સાથે સંકલન કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.સાથે જ સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી તા.15-06-2025 ના રોજ વડોદરા શહેરના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર લોક રક્ષક દળ (LRD) ની પરીક્ષા યોજાનાર છે જેમાં આ પરીક્ષા આપવા માટે અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો વડોદરા ખાતે આવશે જેથી શહેરમાં ટ્રાફિક નું ભારણ વધશે જેના કારણે લોક રક્ષક દળની પરીક્ષાના ઉમેદવારો ટ્રાફિકને કારણે સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચતા અટવાઈ ન જાય અને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે મદદનીશ પોલીસ કમિશનર (ટ્રાફિક શાખા) ડી.એમ.વ્યાસ દ્વારા વડોદરા રીક્ષા યુનિયનના હોદેદારો સાથે મીટીંગ યોજી રીક્ષા ચાલકોને રેલવે સ્ટેશન,બસ સ્ટેશન તેમજ નવલખી ગ્રાઉન્ડ ખાતે જરૂરી રીક્ષા વ્યવસ્થા રાખવા અને ઉમેદવારો ને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ એસ.ટી.વિભાગ દ્વારા પણ ઉમેદવારોને સરળતા રહે તેવી વ્યવસ્થા માટે નવલખી મેદાન પર અલગથી બસ સુવિધા માટે સૂચના આપવામાં આવી હતી.સંયુક્ત પોલીસ કમિશનર ડો.લીના પાટીલ દ્વારા પણ લોકરક્ષક ની પરીક્ષા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવાની સૂચના આપવામાં આવી છે.