
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
આગામી નાતાલ અને 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ હરકતમાં આવી છે. હોટલના સંચાલકો અને માલિકોને બોલાવી સીસીટીવી કેમેરા, આવતા ગ્રાહકોના આઇડી પ્રુફ લેવા સહિતની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.
વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા એડિશનલ પોલીસ કમિશ્નર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નર ડો.જે.એમ.ચાવડા ઝોન 1ની અધ્યક્ષતામાં આગામી નાતાલ તહેવાર તથા થર્ટી ફસ્ટ તહેવાર ઉજવણી અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન હદમાં આવેલી હોટલો ધરાવતા માલિકો, સંચાલકો સાથે પોલીસ સંવાદ કરવામાં આવ્યો હતો. પોલીસના આ સીધા સંવાદમાં હોટલમાં આવતા કસ્ટમર પાસેથી તેમના આઈડી પ્રૂફ લેવા તેમજ પથિક સોફ્ટવેરમાં ફરજિયાત ઓનલાઇન એન્ટ્રી કરવા તેમજ હોટેલમાં એન્ટ્રી તથા એક્ઝિટના સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં રાખવા સહિત હોટલમાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા રાખી તેની સમ્યાન્તરે ચકાસણી કરવી અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવી ઉપરાંત એલારામ સિસ્ટમ બાબતે જરૂરી સુચના આપી અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની શાનદાર ઉજવણી કરવામાં આવશે. શહેરના ખાસ પોશ કહેવાતા વિસ્તારોમાં યુવાધન ઉમટશે અને 2025 ને અલવિદા અને નવા વર્ષ 2026 ને વેલકમ કરવામાં આવશે. ત્યારે એકત્ર થતી ભારે ભીડનો લાભ લઈ અસામાજિક તત્વોનો નાપાક મનસુબો પાર ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અગાઉથી જ એક્શન પ્લાન ઘડી દેવામાં આવ્યો છે.