માંજલપુરમાં ફૂટપાથની પહોળાઈ બાબતે ચાલી રહેલા અહમના ટકરાવમાં ધારાસભ્ય યોગેશ પટેલની જીદ સામે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીને ઝુકવાની ફરજ પડી છે. માંજલપુરમાં બની રહેલી ફૂટપાથના બાકીના હિસ્સાની પહોળાઈ ઘટાડવાનો શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જોકે, ધાર્યુ કરાવવાની વડીલ ધારાસભ્યની જીદ સામે સભ્યોમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે શહેરના બીજા ભાગોમાં બની રહેલી ફૂટપાથ પર પણ આનાથી વિપરીત અસર થશે.
માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા રજૂઆતના આધારે ગૌરવ પથના રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈ જ્યુપિટર ચાર રસ્તા સુધીના રોડ બાકીનું કામ છે એના સર્વિસ ફૂટપાથને 1.2 મીટરનો કરવાનો સ્થાયી સમિતિએ નિર્ણય લીધો હતો. આ ગૌરવ પથના બાકી રહેલા ભાગને જ 1.2 મીટરનો કરવામાં આવશે. જ્યારે આ કામને મંજૂરી આપવામાં આવી ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ શહેરના બીજા ગૌરવ પથનું શું થશે એવા સવાલ કર્યા હતા. સભ્યોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. જ્યાં બીજા વિસ્તારમાં ગૌરવ પથ બનાવવામાં આવ્યા છે ત્યાં અડધા કામો પતી ગયા છે. સંગમથી એરપોર્ટ જતા ગૌરવ પથ રોડ પર, હેવમોર થી વોર્ડ નંબર 11 સુધીનો ગૌરવ રોડ અને છાણી વિસ્તારના ગૌરવ પથ રોડ માટે પણ આ રોડોના બાકીના કામોનું શું એવા સવાલ ઉઠ્યા હતા. જોકે મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર જાહેર કરી દીધો હોવાથી માંજલપુર સિવાયના તમામ ગૌરવ પથ મંજુર કરેલી રીતે જ કરવામાં આવશે એવી સ્પષ્ટતા થઈ હતી.
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની શુક્રવારે બેઠક યોજાઈ હતી. જેમાં 36 કામો મૂકવામાં આવ્યા હતા. નાના-મોટા ફેરફાર કરી તમામ કામોને મંજૂરી અપાઈ હતી. અમુક કામોમાં થોડાક અંશે ફેરફાર કરવામાં આવ્યા હતા જેમાં મહત્વપૂર્ણ એવા સીટી એન્જિનિયરની ઓફિસ તરફથી આવેલા કામમાં વડોદરા શહેરને આગવી ઓળખ મળે તે માટે ગ્રાન્ટ અંગેના કામને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ ગ્રાન્ટ સિવાયના સ્વભંડોળના પૈસા આ કામોમાં ન વાપરવાનું નક્કી થયું છે..