વડોદરા યુનાઇટેડ વે સામે ગેરરીતિની ફરિયાદ આવવાથી ચેરીટી કમિશનરે તમામ હિસાબ લઈને હાજર થવા તેડું મોકલ્યું
હિસાબમાં ગરબડ હશે તો યોગ્ય પગલાં લેવાશે: ચેરિટી કમિશનર યોગીની સિમ્પી
વડોદરાના ધંધાદારી યુનાઇટેડ વે ગરબાના આયોજકો સામે કાર્યવાહીની માગ કરતી જાગૃત મહિલા વકીલ નિમિષાબેન ગજ્જર દ્વારા ચેરિટી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદને આધારે ચેરિટી કમિશનર યુનાઈટેડ વેના સંચાલકોને તમામ હિસાબો સાથે હાજર થવા તેડું મોકલ્યું છે.
ચેરિટી કમિશનરને કરેલી અરજીમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના આયોજકો અમિત ગોરડિયા, શિવિન્દરસિંઘ ચાવડા, રાકેશ અગ્રવાલ, મીનેશ નટુભાઇ પટેલ, પ્રીતીબેન વિમલભાઇ પટેલ, પરેશ સરૈયા, ભરત પટેલ, સમીર આર. પરીખ, પીનાકીન શાહ, હેમંત પી. શાહ, અરવિંદ નારાયણ નોપાણી, શ્રીમતી હરનીલ કૌર ચાવલા, કુંજલભાઇ લલિતભાઇ પટેલ અને અતુલભાઇ હીરાભાઇ પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા કેમ
અરજીમાં જણાવ્યા અનુસાર, અગાઉ પરચૂરણ અરજી તેમના સમક્ષ દાખલ કરવામાં આવી છે. જેમાં બે સંસ્થાઓ સમાંતર નામ ધરાવતી હોવાથી જૈ પૈકીની એક ચેરિટી કમિશનર, વડોદરા ખાતે નોંધાયેલી છે. જ્યારે અન્ય યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશન સેક્શન (8) કંપની તરીકે નોંધવામાં આવી છે. વર્ષોથી ગરબાનું આયોજન કરનાર યુનાઇટેડ વે ઓફ બરોડાના નામે કરોડો રૂપિયાની એન્ટ્રી અન્ય નોન પ્રોફિટ કંપની યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશનમાં જાય છે. આમ તેમના દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ગરબા ગ્રાઉન્ડ પર યુનાઇટેડ વે ઓફ વડોદરા ડિસ્પ્લે થાય છે. જ્યારે ઇનામ વિતરણ યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. તેમના દ્વારા બે સમાંતર સંસ્થાઓ એક કાર્યક્રમમાં દર્શાવીને મોટી ગૂંચવણ ઉપસ્થિત કરવામાં આવેલી છે. જેની નોંધ લઇ તપાસ કરવા માટે તથા કસૂરવારો સામે પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
વડોદરા યુનાઇટેડ વે ગરબા આયોજકો સામે થયેલી ફરિયાદ બાબતે ચેરિટી કમિશનર યોગીની સિમ્પી એ જણાવ્યું હતું અમે યુનાઇટેડ વે સંચાલકો પાસે અત્યાર સુધીના તમામ હિસાબો મંગાવ્યા છે અમારી પાસે આવેલી ફરિયાદ પ્રમાણે યુનાઇટેડ વે ના સંચાલકો અને ટ્રસ્ટીઓ દ્વારા અલગ કંપની ખોલી ગરબાના પાસની આવક બીજી કંપનીમાં લેવામાં આવે છે. જેના કારણે અમે યુનાઇટેડ વેના સંચાલકો અને ટ્રસ્ટીઓ પાસેથી અત્યાર સુધીના તમામ હિસાબ કિતાબો મંગાવ્યા છે. જેના પછી ફરિયાદના આધારે ચકાસણી કરી કેસ ચલાવવામાં આવશે. કોઈપણ પ્રકારની ગેરરીતિ જણાવશે તો અચૂક પગલાં લેવામાં આવશે એમ ચેરીટી કમિશનરે જણાવ્યું હતું.