કટ્ટર હરીફને ટૂંક સમયમાં ભાજપમાં લાવવા ઓપરેશન, ભરત વાખળાએ ટિકિટ સાથે શરતો મૂકી
દાહોદ: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલા મનરેગાકૌભાંડની ગુંજ છેક સંસદ સુધી ગુંજી ચૂકી છે. ચર્ચા તો ત્યાં સુધી હતી કે આ કૌભાંડમાં સૌથી વધુ વગોવાયેલા મંત્રી બચુ ખાબડનું રાજીનામું લઈ લેવામાં આવશે, પણ હવે તેમના મતવિસ્તાર દેવગઢ બારિયામાં ભાજપ મોટું રાજકીય ઓપરેશન પાર પાડવા જઈ રહી છે.

દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારમાં બચુ ખાબડના કટ્ટર હરીફ ગણાતા ભરત વાખળાને ભાજપમાં જોડવાની તૈયારીઓ કરી રહ્યા છે. ભરત વાખળા ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઈ જશે. આમ, દાહોદ ભાજપના નેતાઓ ‘ના રહેગી બાંસ ના બજેગી બાંસુરી’ જેવી પરિસ્થિતિ સર્જવાની ફિરાકમાં હોય એવું લાગી રહ્યું છે.
ભાજપ ભરત વાખળા પણ કેમ દાવ ખેલવા ઈચ્છે છે? એ પાછળનું કારણ પણ રસપ્રદ છે. મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બન્ને દીકરાની ધરપકડ થઈ હતી, એટલે આ મતવિસ્તારમાં ભાજપ માટે એન્ટીઇન્કમ્બન્સીનો માહોલ બની ચૂક્યો છે. ભરત વાખળા બે વખત દેવગઢ બારિયાથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એક વખત કોંગ્રેસ અને બીજી વખત આમ આદમી પાર્ટીમાંથી. આમ તો બન્ને વખત બચુ ખાબડે પછડાટ આપી હતી, પરંતુ ભરતભાઈને મળેલા મતનો આંકડો આગામી વિધાનસભા ચૂંટણીમાં ચિંતા વધારે એવો છે.
ભરત વાખળાને 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દેવગઢ બારિયાથી ટિકિટ આપી હતી. ભરતભાઈની આ પહેલી ચૂંટણી હતી. સામે એ વિસ્તારના ભાજપના કદાવર નેતા એવા બચુ ખાબડ હતા. તેમણે બચુ ખાબડની સામે 58 હજારથી વધુ મત મેળવ્યા હતા. વળી, મળેલા મતની ટકાવારી એટલે કે વોટ શેર 33% કરતાં વધારે રહ્યો હતો.
2022ની વિધાનસભા ચૂંટણી આવતા સુધીમાં ભરત વાખળાનો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. AAPએ તેમને દેવગઢ બારિયાની જ ટિકિટ આપી અને દેવગઢ બારિયાથી જ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે, બચુ ખાબડ સામે તેમની હાર થઇ હતી.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભરત વાખળાને 2017 કરતાં લગભગ 11 હજાર જેટલા મત વધુ મળ્યા હતા, જોકે 69 હજાર મત સાથે 35% જેટલો વોટ શેર મેળવવા છતાં તેઓ બચુ ખાબડ સામે હારી ગયા હતા, પણ તેમણે ભાજપને મોટું નુકસાન કર્યું હતું, એટલે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, ભરત વાખળા વોટ ખેંચી જવા સક્ષમ છે.
2022માં મળેલી હાર બાદ પાછા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમનાં પત્ની સુરેખાબેન વાખળાએ તાજેતરમાં જ દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માંથી ઉમેદવારી કરી હતી, પરંતુ તેમને માત્ર 600 મત મળ્યા હતા અને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો.
નોંધવા જેવી વાત એ છે કે રાહુલ ગાંધીની ગુજરાતમાં સક્રિયતા અને દાહોદ જિલ્લાના ભાજપના નેતાઓ પર છાશવારે લાગતા આરોપો બાદ સ્થાનિક લેવલે કોંગ્રેસના કાર્યકરો સક્રિય બન્યા છે. કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા 15 ઓગસ્ટે તિરંગાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા થોડા સમયથી ભાજપ અને ભરત વાખળા વચ્ચે પક્ષપલટાની વાતચીત ચાલી રહી છે. ભરત વાખળાને ભાજપમાં લઈ આવવા માટે સાંસદ જશવંતસિંહ ભાભોર મધ્યસ્તા કરે એવી પૂરતી શક્યતાઓ છે. બીજી તરફ બચુ ખાબડ પણ પોતાની સીટનો સૌથી મોટો વિપક્ષના ચહેરાને ભાજપમાં લાવવા આતુર હોય એવી વાત મળી છે.
જોકે ભરત વાખળાએ ભાજપમાં જોડાવા માટે કેટલીક શરતો મૂકી છે, જેમાં પોતાને દેવગઢ બારિયા વિધાનસભાની ટિકિટ આપવામાં આવે એ મુખ્ય માગ છે. આ જ સીટ પરથી અત્યારે બચુ ખાબડ ધારાસભ્ય છે, એટલે જો ભાજપ આ શરત સ્વીકારે તો બચુ ખાબડની રાજકીય કારકિર્દી ખતરામાં આવી શકે છે. બસ, આ એક મુદ્દા પર વાતચીત અટકી છે, જે અંગે સમાધાન આવ્યા બાદ તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.
ભરત વાખળાએ સોશિયલ મીડિયા પર કેટલાક દિવસથી પક્ષપલટાના સંકેત આપી દીધા છે. અમને ફેસબુક પરથી એક કોમેન્ટ મળી આવી, જેમાં દેવગઢ બારિયા કોંગ્રેસે બે વિકલ્પો આપીને પોસ્ટ મૂકી હતી કે તમે કોની સાથે છો? આ પોસ્ટના કોમેન્ટમાં ભરત વાખલાએ BJP લખી કોમેન્ટ કરી હતી.
ભરત વાખળાની ભાજપમાં આવવાની અટકળો વચ્ચે ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી પણ સામે આવી રહી છે. ભાજપના એક કાર્યકર નિર્મલસિંહે આ મુદ્દે પોસ્ટ કરતાં લખ્યું હતું કે હવે દેવગઢ બારિયા ભાજપના મૂળ કાર્યકર્તાઓનું શું થશે?
આમ, વિવિધ સોશિયલ મીડિયા પોસ્ટ, કોમેન્ટ, સૂત્રોની માહિતી અને ભરત વાખળા સાથેની વાતચીત પરથી લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશે.
ભરત વાખળાની ભાજપમાં એન્ટ્રીની ચર્ચાના કારણે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ માહોલ ગરમાઈ ચૂક્યો છે, કારણ કે દેવગઢ બારિયા વિધાનસભા તથા સમગ્ર દાહોદ જિલ્લાનાં રાજકીય સમીકરણ ફરશે એ નક્કી છે.