લાંબા સમયથી ચાલી આવતી માગણી સરકારે સ્વીકારી
(પ્રતિનિધિ) તારાપુર તા.31
આણંદ જિલ્લાના તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને વહીવટદાર તરીકે મામલતદારને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં અગાઉ 11 નગરપાલિકા હતી. જેમાં આણંદ, વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકાને મર્જ કરી મહાનગરપાલિકા બનાવવામાં આવી હતી. આ સમયે તારાપુર ગ્રામ પંચાયતને પાલિકા જાહેર કરવાનો મુદ્દો ઉઠ્યો હતો. આ અંગે આણંદ જિલ્લા પંચાયત દ્વારા ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.
તારાપુરમાં છેલ્લા દસકા દરમિયાન થયેલા વિકાસના પગલે વસતીનો પણ વધારો થયો છે. આથી, તેને નગરપાલિકા જાહેર કરવા સ્થાનિક કક્ષાએ પણ માગણી ઉઠી હતી. આ મામલે સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ દ્વારા પણ રાજ્ય સરકાર દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવતા તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેના વહીવટદાર તરીકે મામલતદારને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તારાપુર માં હાલ 34 હજારની વસ્તીનો અંદાજ છે.
આણંદ જિલ્લામાં હવે ખંભાત, તારાપુર, ઉમરેઠ, ઓડ, સોજિત્રા, પેટલાદ, બોરસદ, આંકલાવ, બોરિયાવી સહિત 9 પાલિકા બની છે.