શિનોર પંથકમાં શિયાળાએ અલવિદા લઈ ઉનાળાની શરૂઆત થતા જ આકરા ધગધખતા તાપની શરૂઆત થતા ખેતી પાકોમાં તેની અસર જોવા મળી રહી છે. એમાંય ખાસ કરીને આંબાના ઝાડ ઉપર આમ્ર મંજરીમાંથી રૂપાંતરીત થયેલા કેરીના મરવા ખરી પડવાનું પ્રમાણ ખૂબ વધતાં આંબાની બાગાયતી ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

શિનોર પંથકમાં શિયાળાની ઋતુએ અલવિદા લેતાં ઉનાળાના પ્રારંભે જ ધખધખતા તાપની શરૂઆત થઇ છે. બપોરના સમયે પંથકમાં રહેણાંક વિસ્તાર ગરમીના કારણે સૂમસામ થયેલા જોવા મળે છે. લોકો ગરમીથી બચવા ઘરમાં પુરાઈ જાય છે. એકાએક ધોમધખતા તડકાથી ખેતી પાકોમાં તેની અસર જોવા મળે છે.તેમાય ખાસ કરીને આંબાના ઝાડ પર આમ્ર મંજરીમાંથી રૂપાંતરીત થયેલા કેરીના મરવાનું આંબાના ઝાડ પરથી ખરી પડવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તેથી કેરીના પાકની ઊપજ ઉપર અસર થવાની ભીતી સેવાઇ રહી છે.

સાથે સાથે ગરમીના કારણે આંબાના વૃક્ષ પર ગેરવાના રોગનો ઉપદ્રવ પણ વધી ગયો છે. ગરમીના કારણે આ રોગને અટકાવવા ખેડૂતો દવાનો છંટકાવ પણ કરી શકતા નથી. એકાએક શરૂ થયેલા તાપની કેળા, કપાસ, દિવેલા વગેરે જેવા પાક પર પણ અસર જોવા મળી રહી છે. આંબાની બાગાયતી ખેતી કરતાં ખેડૂતોની હાલત હાલ ખૂબ કફોડી બની છે.
