મહાકાય અજગરે બતકોનો કર્યો શિકાર
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો

( પ્રતિનિધી )વડોદરા,તા.28
વડોદરા શહેર નજીક કેલનપુર પાસે આવેલા હેતમપુરા ખાતે આંબાવાડીમાં બતકના પિંજરામાં ઘૂસી ગયેલા મહાકાય અજગરે બતકને પોતાનો શિકાર બનાવી આરામ ફરમાવી હતી. આ બાબતની જાણ થતા જ વડોદરાની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોએ સ્થળ પર પહોંચી ભારે જહેમતે અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યો હતો.

વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, કેલનપુર પાસે આવેલા હેતમપુરા ગામથી પ્રતાપસિંહ વાઘેલાએ હેતમપુરા ગામ પાસે આંબાવાડીમાં એક મોટો અજગર બતક ના પિંજરામાં આવી ગયો છે અને બતકને ગળી ગયો છે. આ માહિતી મળતાની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત અને સંસ્થાના કાર્યકર જીતેન્દ્ર તડવી , સુરેશ રાઠોડ, અમિત વસાવા, વિશાલ રાઠોડ અને વડોદરા ના વન વિભાગના અધિકારીને લઈને ત્યાં પહોંચ્યા હતા. જ્યાં આઠ ફૂટનો એક મોટો અજગર બતકને ગળીને રૂમમાં બેઠો હતો. આ અજગરને એક કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગના ખાતે લઈ જવામાં આવ્યો હતો.