Singvad

આંગણવાડી બહેનોનો હલ્લાબોલ : પગાર વધારો, મોબાઈલ અને કામના ભાર ઘટાડાની માંગ સાથે ઉગ્ર રજૂઆત

દાહોદના રતલામી ચાર થાંભલાથી પ્રાંત કચેરી સુધી રેલી

(પ્રતિનિધિ) સિંગવડ:
દાહોદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓના ઉકેલ માટે રતલામી ચાર થાંભલા થી પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. રેલી દરમિયાન બહેનોએ સુત્રોચાર અને હલ્લાબોલ સાથે વિરોધ પ્રદર્શન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી.

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની મુખ્ય માંગ હતી કે આવનાર ગુજરાત બજેટમાં તેમના પગાર વધારાનો સમાવેશ કરવામાં આવે. બહેનોનું કહેવું છે કે કેન્દ્ર સરકારની યોજના હેઠળ કાર્ય કરતા હોવા છતાં વર્ષ 2018 બાદ તેમના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને આજે પણ લઘુતમ વેતન જેટલું પણ ભથ્થું મળતું નથી.

રજુઆત દરમિયાન બહેનોએ જણાવ્યું હતું કે ડિજિટલ કામગીરી ફરજિયાત કરાઈ છે પરંતુ સરકાર તરફથી મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. પરિણામે બહેનોને પોતાના અંગત મોબાઈલનો ઉપયોગ કરીને ઓનલાઈન કામગીરી કરવી પડે છે. સાથે સાથે કામનો બોજ સતત વધારવામાં આવી રહ્યો છે, જેના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે. કેટલાક અધિકારીઓ દ્વારા ધાકધમકી અને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન ગુજરાત સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત, દાહોદ જિલ્લા પ્રમુખ કુસુમબેન સહિત સંગઠનના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બહેનોએ “અવાજ દો, હમ સબ એક હે”, “ઇન્કલાબ જિંદાબાદ”, “હમ ભારત કી નારી હૈ, ફૂલ નહીં ચિંગારી હૈ”, “નારી શક્તિનું શોષણ બંધ કરો” અને “ભાજપ સરકાર હટાવો” જેવા નારા લગાવતા દાહોદ શહેરનું વાતાવરણ ગુંજાવી દીધું હતું.
ગુજરાત સંગઠનના મંત્રીએ ડબલ એન્જિન સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જરૂર પડશે તો આંગણવાડી બહેનો કામથી અળગા રહી ભૂખ હડતાલ પર ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

રિપોર્ટર: કલ્પેશ શાહ

Most Popular

To Top