Charotar

આંકલાવ પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઇક અથડાતાં 3ના મોત

આંકલાવ પંથકમાં રાત્રિના બ્રેક લાઇટ વગર દોડતા ટ્રેક્ટરે 3નો ભોગ લીધો

ચમારાથી બામણગામ જવાના અંબાકુઇ સીમ વિસ્તારમાં અકસ્માત સર્જાયો

એક જ ફળીયામાં રહેતા 3 મિત્ર મોટી સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઇ રહ્યાં હતાં

(પ્રતિનિધિ) આંકલાવ તા.8

આંકલાવના ચમારા ગામથી બામણગામ જવાના રસ્તા પર અંબાકુઇ સીમ વિસ્તારમાં પુરપાટ ઝડપે જતાં ટ્રેક્ટરે અચાનક બ્રેક મારતાં પાછળ આવેલી ત્રણ સવારી બાઇક ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બાઇક સવાર ત્રણ યુવકના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.  આ અંગે આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

વડોદરાના પાદરા ગામના મુંજપુરમાં રહેતા કૌશિક શીવાભાઈ પઢીયારને સંતાનમાં બે દિકરા પરેશ (ઉ.વ.23) અને રણજીત (ઉ.વ.21) છે. જ્યારે તેમની બાજુમાં પરેશ બચુભાઈ પરમાર કુટુંબ પરિવાર સાથે રહે છે. આ પરેશભાઇનો પુત્ર મનહર (ઉ.વ.19) અને તેનાથી રાહુલ કરીને છે. આ ઉપરાંત તખતસિંહ ગણપતસિંહ પઢિયાર પણ તેમના પુત્ર નરેશકુમાર (ઉ.વ.21) અને દિકરી પારૂલ સાથે રહે છે. દરમિયાનમાં 7મી એપ્રિલના રોજ રાત્રિના સાડા આઠેક વાગ્યાના સુમારે કૌશિકભાઇ ઘરે હાજર હતાં તે વખતે મનહરભાઈ પરેશભાઈ પરમાર, નરેશકુમાર તખતસિંહ પઢિયાર બાઇક નં.જીજે 23 ઇસી 9581 લઇને રણજીતને પોતાની સાથે બાઇક પર બેસાડીને લઇ ગયાં હતાં. આ સમયે તેઓએ મોટી સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઇ રહ્યાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ સાડા દસેક વાગ્યે જાણવા મળ્યું કે, બામણગામ ચમારા રોડ પર અંબાકુઇ સીમ વિસ્તારમાં પાસે અકસ્માત નડ્યો છે. આથી, કૌશિકભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ જોયું તો તેમનો પુત્ર રણજીત (ઉ.વ.21), નરેશકુમાર તખતસિંહ પઢિયાર (ઉ.વ.21) અને મનહર પરેશભાઈ પરમાર (ઉ.વ.19)નું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે આસપાસમાં પુછતાં જાણવા મળ્યું હતું કે, રાત્રિના દસેક વાગ્યાના સુમારે બામણગામથી ચમારા જવાના અંબાકુઇ સીમ વિસ્તારમાં આવેલા જાહેર રોડ પર ટ્રેક્ટર ચાલક પુરઝડપે વાહન હંકારી રહ્યો હતો. બાદમાં અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલી બાઇક ધડાકાભેર ટ્રોલી સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બાઇક સવાર ત્રણેયના મોત નિપજ્યાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top