Charotar

આંકલાવમાં બે ભાઇ પર જીવલેણ હુમલામાં 3 શખ્સને 3 વર્ષની કેદ

આંકલાવના આસોદર – વાસદ રોડ પર 11 વર્ષ પહેલા બોર્ડ લઇ જવા બાબતે લાકડા અને ધારિયાથી હુમલો કર્યો હતો

એક શખ્સને એક વર્ષની કેદ ફટકારવામાં આવી

(પ્રતિનિધિ) આણંદ તા.12

આંકલાવના આસોદર – વાસદ રોડ પર લક્ષ્મીપુરા જવાના વળાંક પર 11 વર્ષ પહેલા નવા બોર્ડ હટાવા આવતા ચાર શખ્સે લાકડા અને ધારિયાથી હુમલો કર્યો હતો. આ કેસ આંકલાવની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં ન્યાયધિશે 3 હુમલાખોરને 3 વર્ષની કેદ અને એક હુમલાખોરને એક વર્ષની કેદની સજા ફરમાવી હતી.

આંકલાવના આસોદર ગામના લક્ષ્મીપુરામાં રહેતા ચંદુભાઈ રામાભાઈ સોલંકીના પુત્ર અશોક અને વિજય પર 25મી ઓગષ્ટ, 2013ના રોજ રાત્રિના ચાર શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં દિનેશ કાભઇ સોલંકી, કિરીટકુમાર રમેશ સોલંકી, ચીમન માના સોલંકી, અજયકુમાર ભાઇલાલ સોલંકીએ તમે રોડ પર સાઇડ તથા વળાંક આવતા નવા બોર્ડ કેમ લઇ ગયા છો ? તેમ કહી ઝઘડો કર્યો હતો. જેની રીસ રાખી. ચંદુભાઇના બન્ને પુત્ર અશોક અને વિજય પર લોખંડની ટોમી, લાકડાનો દંડો, ધારીયા અને સળીયાથી હુમલો કર્યો હતો. જેમાં બન્ને ભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે આંકલાવ પોલીસે જે તે સમયે કુલ છ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો.

આંકલાવ પોલીસની તપાસમાં ચંદુભાઈને 24મી ઓગષ્ટ,2013ના રોજ સાંજના રસ્તામાં બોર્ડ મુકવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાના બીજા દિવસે એટલે કે 25મીની રાત્રિના લક્ષ્મીપુરાના વળાંક પર ચંદુભાઈના પુત્ર અશોક તથા વિજય પર હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે જરૂરી કાર્યવારી આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ આંકલાવ કોર્ટમાં રજુ કર્યું હતું.

આંકલાવના ફોજદારી ન્યાયાધીશની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં સરકારી વકિલ એસ.કે. રાવલની દલીલ, 17 સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ધ્યાને રાખી ન્યાયધિશે ત્રણને ત્રણ વર્ષની કેદ અને એકને એક વર્ષની કેદ તથા દંડ ફટકાર્યો હતો. આ ચુકાદામાં દિનેશ કાભઇભાઈ સોલંકી, ચીમન માનાભાઈ સોલંકી તથા અજયકુમાર ભાઇલાલ સોલંકીને કલમ – 326 તથા 114 અન્વયેના ગુના સબબ તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તથા દરેક આરોપીને રૂ.10 હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો. જો આરોપી દંડ ભરવામાં કસુર કરે તો વધુ છ માસની સજા ભોગવવા હુકમ કર્યો હતો. જ્યારે કિરીટકુમાર રમેશભાઈ સોલંકીને કલમ 323 તથા 114 અન્વયે એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો. જો દંડ ભરવામાં કસુર કરે તો વધુ 3 માસની સાજા ભોગવવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત ફરિયાદ ચંદુભાઇને રૂ.40 હજાર વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.

Most Popular

To Top