કસુંબાડની પરિણીતાનું ડોક્ટરની બેદરકારીથી મોત નિપજ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો
(પ્રતિનિધિ) બોરસદ તા.13
બોરસદ તાલુકાના કસુંબાડ ગામમાં રહેતી 27 વર્ષિય પરિણીતાના ગર્ભાશયના કોથળીનું ઓપરેશન કરવા આંકલાવની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ઓપરેશન બાદ તેને ઘરે લઇ ગયાં હતાં. પરંતુ કલાકોમાં તેની તબિયત લથડી હતી અને મોત નિપજ્યું હતું. આથી, તેના પરિવારજનો રોષે ભરાયાં હતાં અને ઓપરેશન કરનારા ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરી તેઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જોકે, બનાવ સંદર્ભે પોલીસને જાણ થતાં તાત્કાલિક ટીમ પહોંચી હતી અને પરિણીતાના મૃતદેહનો કબજો લઇ તેને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જોકે, પોલીસે સમજાવટથી કામ લેતા મામલો થાળે પડ્યો હતો.
આંકલાવ શહેરની ડો. સંદીપ પટેલની શ્રી હોસ્પિટલમાં બોરસદના કસુંબાડ ગામમાં રહેતા હેતલબહેન કિરણભાઈ પઢીયાર (ઉ.વ.27)ને કોથળીના ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં ઓપરેશન કર્યા બાદ હેતલબહેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેથી તેઓ ઘરે ગયાં હતાં. પરંતુ ઘરે કલાકોમાં જ હેતલબહેનની તબિયત ફરી બગડી હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યાં હતાં. પરંતુ તબિબે તેમને તપાસતા જ મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. જેના પગલે હાજર પરિવારજનોમાં ભારે રોષની લાગણી જન્મી હતી. ડોક્ટર દ્વારા બેદરકારી દાખવવાના કારણે મૃત્યું નિપજ્યાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. આ ઘટના અંગે આંકલાવ પોલીસને જાણ કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ તેને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આ અંગે હોસ્પિટલના ડો. સંદીપ પટેલે જણાવ્યું હતું કે, પેસેન્ટને અહીં લાવ્યા તે પહેલાં જ મૃત્યુ થયું હતું. જેથી મેં તેમના પરિવારને પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ. આમાં અમારી કોઈ બેદરકારી નથી.
