આંકલાવના ફાર્મ હાઉસ દારૂની મહેફિલ માટે પંકાયા
એલસીબીએ દરોડો પાડી ચાર યુવતી અને બે યુવકને પકડી પાડ્યાં
પોલીસે સ્પીકર, મોબાઇલ, કાર સહિત કુલ 31.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(પ્રતિનિધિ) આંકલાવ તા.19
આંકલાવના મોટી સંખ્યાડ ગામમાં આવેલા કબીર ફાર્મ હાઉસમાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં વડોદરાના છ નબીરા વિદેશી દારૂની મહેફિલ માણતા પકડાયાં હતાં. જેમની અટક કરી પોલીસે વાહનો સહિત કુલ રૂ.31.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, મોટી સંખ્યાડ ગામમાં જતા સરદાર આવાસ કોલોની નજીક પ્રાથમિક શાળા સામે આવેલા રેહાન ઇરફાન ખાનના કબીર ફાર્મ હાઉસમાં કેટલાક યુવાન સ્ત્રી – પુરૂષ ભેગા મળી મ્યુઝીક સાથે ઇંગ્લીશ દારૂ પીવાની મહેફિલ માણી રહ્યાં છે. આ બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાંચે ટીમ બનાવી 18મીની રાત્રે ફાર્મ હાઉસ પર પહોંચી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ફાર્મ હાઉસમાં સ્પીકરમાં મ્યુઝીક ચાલુ હતું. જોકે, બહારના ભાગે કમ્પાઉન્ડ વોલ હતી. જેનો મુખ્ય ગેટ ખુલ્લો હોવાથી પોલીસ અંદર જતાં પ્રથમ ગાર્ડન આવ્યું હતું. તેની આગળ સ્વીમીંગ પુલ તથા ફાર્મ હાઉસનું બિલ્ડીંગ આવેલું છે. પોલીસ કાર્યવાહી સમયે ખુલ્લા ગાર્ડનમાં વચ્ચે ઇલેક્ટ્રીક લાઇટના અજવાળે મ્યુઝીક સ્પીકર સાથે ટેબલ ખુરશી મુકી છ યુવક – યુવતી બેઠાં હતાં. આ તમામના હાથમાં ગ્લાસ હતાં અને ટેબલ પર વિદેશી દારૂની બોટલો, બોયટીંગ મળી આવ્યું હતું. એલસીબીની ટીમે તમામની અટક કરી તપાસતાં ચાર સ્ત્રી અને બે પુરૂષ દારૂ પીધેલી હાલતમાં હતાં.આથી, પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરતાં તમામ પાસેથી મોબાઇલ, વિદેશી દારૂની બોટલ, મ્યુઝીક સિસ્ટમ, ફોરચ્યુન ગાડી નં.જીજે 18 બીએમ 5550, થાર ગાડી (જેમાં બે નંબર પ્લેટ મળી આવી) મળી કુલ રૂ.31,93,250નો મુદ્દામાલ જપ્ત કરી છએય નબીરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂની મહેફિલમાં કોણ – કોણ પકડાયું ?
– રેહાન ઇરફાન ખાન (ઉ.વ.29, રહે. રસુરજી સોસાયટી, નિઝાનપુરા, વડોદરા)
– નિયલ રાજેશ પટેલ (ઉ.વ.27, રહે. બાલાજીનગર સુભાનપુરા, વડોદરા)
– પ્રિયા કૈલાસ રેવાચંદ મુલાની (ઉ.વ.25, રહે. પ્રભાત કોલોની, વાઘોડીયા રોડ, વડોદરા)
– પ્રિયંકા ધરમસિંહ નારાયણસિંહ ચૌહાણ (ઉ.વ.24, રહે. ડિફેન્સ કોલોની, કેનાલ રોડ, વડોદરા)
– શિવાની કૈલાસ રેવાચંદ મુલાની (ઉ.વ.28, રહે. પ્રભાત કોલોની વાઘોડીયા રોડ, વડોદરા)
– શારની સમશેર છંગુરામ યાદવ (ઉ.વ.28, રહે. સયાજી ટાઉનશીપ, ન્યુ વીઆઈપી રોડ, વડોદરા)