Charotar

અહો આશ્ચર્યમ : ઇવીએમ વેરહાઉસના બદલે કચરામાં મળ્યું

મતદાન અને પરિણામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇવીએમ સીલ કરી દેવામાં આવતું હોવા છતાં કચરાના ઢગલામાં જોવા મળતાં અનેકવિધધ ચર્ચાઓ ઉઠી.

બોરસદના અમીયાદની પંચાયત વોર્ડ 9 માટેની વર્ષ 2018ની પેટાચૂંટણી માટે ઉપયોગમાં લેવાયેલા ઇવીએમ કચરાના ઢગલામાં મળ્યા  

(પ્રતિનિધિ) બોરસદ તા.2

બોરસદમાં ઇવીએમ મશીનના બેલેટ યુનિટ કચરાના ઢગલામાંથી મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઇવીએમ જેવી ખુબ જ અગત્યની ચુંટણી લક્ષી સામગ્રી બિનવારસી હાલતમાં જુની શાકમાર્કેટ પાછળના કચરાના ઢગલામાં. જોવા મળતાં આશ્ચર્યજનક બાબત ઉજાગર થયેલ છે.

બોરસદના જુના શાકમાર્કેટ પાછળના ભાગે કચરાના ઢગલામાં ઇવીએમ મશીનના બે બેલેટ યુનિટ કોઇ ફેંકી જતાં બિનવારસી હાલતમાં જોવા મળ્યા હતા. ઇવીએમ મશીન કચરાના ઢગલામાં પડ્યા હોવાની માહિતી બોરસદ વહીવટી તંત્રને મળતા જ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. બોરસદ પ્રાંત અધિકારી, ઈનચાર્જ મામલતદાર તેમજ બોરસદ નગર પાલિકા સફાઇ વિભાગ, પોલીસ તંત્ર ધ્વારા ઇવીએમ મશીન બાબતે કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પર પંચકયાસ કરાયા બાદ બન્ને યુનિટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી માટે રિપોર્ટ કરાયો હતો.

ચુંટણી પ્રક્રિયા માટે ખુબ જ મહત્વપૂર્ણ ગણાતું ઇવીએમ યુનિટ ચુંટણી અગાઉ અને પરિણામ બાદ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવે છે. પરંતુ બોરસદ ખાતે બિનવારસી હાલતમાં ઇવીએમ મશીન યુનિટ મળી આવતાં સમગ્ર તાલુકામાં ચુંટણી દરમિયાન વિવિધ કારભાર હેઠળ ફરજ બજાવતા નિયુક્ત કર્મચારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. કચરાના ઢગલામાંથી મળી આવેલા ઇવીએમનો ઉપયોગ વર્ષ 2018મા અમિયાદ ગ્રામ પંચાયતના વોર્ડ 9 ની પેટા ચૂંટણી માટે કરવામાં આવ્યો હતો. ઇવીએમ પરથી સ્પષ્ટ થતી વિગતો મુજબ તત્કાલીન સમયે વોર્ડ પેટા ચૂંટણીમાં બે હરીફ ઉમેદવાર હતા. તેમના ક્રમ, નામ અને નિશાન નિર્દેશ ઇવીએમ યુનિટ પર જણાઈ આવેલ છે. જોકે વર્ષ 2018ની ચુંટણી વિત્યા બાદ છ વર્ષ બાદ ઇવીએમ મશીન મળી આવેલ છે. જેથી પરિણામ બાબતે કોઈ અસર થવાની શક્યતા નથી. પણ ઇવીએમ મશીન જેવી  અગત્યની સામગ્રી બિનવારસી હાલતમાં કચરાના ઢગલામાં જોવા મળે તે બાબત ઘણી જ ચર્ચાસ્પદ અને ગંભીર બાબત છે. જે અંગે સમગ્ર જીલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો વ્યક્ત થઈ રહ્યા છે.

આણંદ  જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક આપ્યા તપાસના આદેશ

બોરસદના  જુના શાક માર્કેટની પાછળ કચરાના ઢગલામાં રાજય ચૂંટણી આયોગના બે બેલેટ યુનિટ મળી આવ્યાની જાણ જીલ્લા કલેકટરને થઈ હતી. આ બાબતે તાત્કાલિક જ જિલ્લા કલેક્ટરએ બોરસદ પ્રાંત અધિકારીને તપાસ કરવાનું જણાવ્યું હતું, બોરસદ પ્રાંત અધિકારીએ તુરંત જ સ્થળ મુલાકાત કરી, જગ્યાનો પંચક્યાસ કર્યો હતો. પ્રાંત અધિકારીએ બન્ને બેલેટ યુનિટ  કબજે લઈ  બોરસદ ટાઉનના પોલીસ ઈન્સ્પેક્ટરને તપાસ કરી, રીપોર્ટ આપવા સુચના આપી હતી.

તત્કાલિન ફરજ પરના તમામ અધિકારી – કર્મચારીઓને કારણદર્શક નોટીસ ફટકારાઇ

બિનવારસી હાલતમાં ઇવીએમ બેલેટ યુનિટ સને 2018 ની અમિયાદ ગ્રામ પંચાયત પેટા ચૂંટણીના કામે વોર્ડ નં.9માટે વપરાયેલ બેલેટ યુનિટ તથા રીઝર્વ બેલેટ યુનિટ માલુમ પડેલ છે. જે સંદર્ભે બોરસદ પ્રાંત અધિકારીએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, આણંદને જે તે ચૂંટણી વખતે ફરજ પરના અધિકારી/કર્મચારીની વિગતો સહ અહેવાલ મોકલી આપેલ છે. તેના આધારે કલેક્ટર આણંદે તત્કાલિન ફરજ પરના તમામ અધિકારી/કર્મચારીઓને કારણદર્શક નોટીસ આપી છે, તેમજ રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ખાતે રીપોર્ટ કર્યો છે.

Most Popular

To Top