શનિ-રવિવારે પણ કચેરીઓ ચાલુ રહેશે
એક પખવાડિયા સુધી નાયબ કલેકટર રજા પર હોવાના કારણે અશાંતધારાની પરમિશનનોની કામગીરી અટકી ગઈ હતી.
વડોદરા શહેર જિલ્લાની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગુ પડતી અશાંતધારાની પરમીશન આપતા નાયબ કલેકટર એક પખવાડિયા સુધી રજા પર હોવાના કારણે પરમિશનની કામગીરી અટકી ગઈ હતી. ગત સપ્તાહે હાજર થયેલા નાયબ કલેકટરે હાજર થતા જ એક જ દિવસમાં 850થી વધુ અશાંત ધારાની અરજીઓ મંજૂર કરતા જ અરજદારોમાં ખુશી વ્યાપી ગઈ હતી . જોકે પરમિશન વગર કચેરીઓમાં આંશિક કામગીરી જ ચાલુ રહી હતી. સેંકડો દસ્તાવેજોની નોંધણીની કામગીરી સ્થગિત થતા જ રાજ્ય સરકારએ તાત્કાલિક અસરકારક પગલાં લેવા માર્ચ માસના રજાના દિવસોમાં પણ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવા કલેકટરને આદેશ આપ્યા હતા.
જિલ્લા રેવન્યુ વિભાગની અણ આવડતના પગલે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ઘણી ખરી અટકી ગઈ હતી. 14 પોલીસ મથકોની હદમાં ફરજિયાત લેવી પડતી અશાંતધારાની પરમિશનો મળી ન હોવાથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં એક પખવાડીયા સુધી લગભગ કાગડા ઉડતા હતા. પરમિશન વગર દસ્તાવેજની નોંધણી જ ના થાય. જેના કારણે અરજદારોમાં અંદરખાને આક્રોશ વ્યાપી ગયો હતો. જે બાબતની ઉચ્ચ સ્તરે રજૂઆત થતા જ મહેસુલ વિભાગ સફાળું જાગી ઉઠયુ હતું અને સત્વરે કામગીરી હાથ ધરવા જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. એક તરફ દસ્તાવેજની નોંધણીની લેવાતી ફીની રેવન્યુ આવક સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી અને બીજી બાજુ દસ્તાવેજ નોંધવાની પ્રક્રિયાનું ભારણ વધી ગયું હોવાથી ઉભી થયેલી સમસ્યાઓનું સત્વરે નિરાકરણ લાવવા શનિ રવિ ની રજાઓમાં પણ કચેરીઓ ચાલુ રખાશે અને દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયાઓ હાથ ધરાશે.
જે બાબતે આઈ આર રામચંદ્ર પંચાલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આખા ગુજરાતની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ રજાના દિવસે કાર્યરત રહેશે અને મિલકત ખરીદ વેચાણ કરનાર પક્ષકારો દસ્તાવેજ નોંધાવી શકશે.
