Vadodara

અલકાપુરી રેલવે સ્ટેશન વિસ્તારના વિકાસ માટે મ્યુ કમિશ્નર અને રેલ્વે ડીઆરએમનું સંયુક્ત નિરીક્ષણ

ગરનાળાના અંડર બ્રિજ, નવીન ઓવરબ્રિજ અને આવનારા બુલેટ ટ્રેન સ્ટેશન સાથે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ રચનાના મુદ્દે સ્થળ નિરીક્ષણ; મુસાફરો માટે સુવ્યવસ્થિત અને ઝડપી કનેક્ટિવિટી માટે વિવિધ વિકલ્પોની ચર્ચા.

વડોદરા શહેરના અલકાપુરી રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં નવી વિકાસ યોજનાઓને લઈને આજે મહત્વપૂર્ણ નિરીક્ષણ અને ચર્ચા યોજાઈ હતી. શહેરના પાલિકા કમિશ્નર અરુણ મહેશ બાબુ તથા રેલ્વેના ડી.આર.એમ.ના અધ્યક્ષસ્થાને અધિકારીઓએ ગરનાળાના અંડર બ્રિજ, નવીન બનનાર ઓવર બ્રિજ અને નજીકમાં બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણના મુદ્દે સ્થળ પર જઇને સ્થિતિનું અવલોકન કર્યું હતું.
ચોમાસામાં અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને વારંવાર સર્જાતા ટ્રાફિક જામ થવાથી નાગરિકોને પડતી મુશ્કેલીઓ ભોગવે છે તે સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


નિરીક્ષણ દરમિયાન કમિશ્નરે જણાવ્યું કે હાલની અવસ્થા માટે પ્રાથમિક ઓવર બ્રિજનો વિકલ્પ ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યો છે. સાથે જ, પોલીસી મેટર તથા અનેક વિકલ્પો અંગે વિગતે તરત જ કાર્યવાહી કરવાની જરૂરીયાત પણ વ્યક્ત કરી.
આ કાર્યક્રમમાં મહત્વનું ધ્યાન બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવવા પર અપાયું. જેથી આવનારા દિવસોમાં અલગ-અલગ ટ્રાન્સપોર્ટ મોડ્સ, જેમ કે બુલેટ ટ્રેન, રેલવે, ઇલેક્ટ્રિક બસો વગેરેની વચ્ચે સરળ અને સુવ્યવસ્થિત કનેક્ટિવિટી સક્રિય થઈ શકે. શહેરમાં બહારગામથી આવતા મુસાફરો અને નાગરિકોને સીધા, સરળ અને ઝડપી પરિવહન માટે આધુનિક વ્યવસ્થાઓઓ ઉભી કરવાની દિશામાં વિવિધ વિકલ્પોની ચર્ચા કરવામાં આવી.
ચર્ચામાં ખાસ કરીને ત્રણ મુખ્ય મુદ્દાઓમાં ઓવર બ્રિજ/અંડરપાસ, મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ હબ અને બુલેટ ટ્રેન સ્ટેશનને અન્ય ટ્રેનો સાથે જોડવાની સુવ્યવસ્થા માટે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ તથા સ્ટાફ સાથે મળીને કામગીરીની વ્યૂહરચના કરવામાં આવી. ઉપરાંત, ભવિષ્યમાં વિટકોસના સહયોગથી ઇલેક્ટ્રિક બસની સિસ્ટમ ચાલુ કરીને મુસાફરોને વધુ સુવિધા આપવા પર પણ વિચારણા ચાલી રહી છે.
અધિકારીઓએ નાના પ્રશ્નોના ઝડપી નિવારણ અને સમન્વયથી શહેરની મુસાફરી વ્યવસ્થાને નવી ઊંચાઈ આપવાના ખાતરીજનક આશ્વાસન સાથે નિરીક્ષણ પૂર્ણ કર્યું.

Most Popular

To Top