Vadodara

અલકાપુરી, બાજવા, એલ એન્ડ ટી સર્કલ, સુસેન અને વડસર–કોટેશ્વર ખાતે નવા બ્રિજ બનશે

વડોદરામાં 500 કરોડના નવા 5 બ્રિજ પ્રોજેક્ટને લીલી ઝંડી

પાણી, ગટર તેમજ કેબલિંગ પછી પેવર બ્લોક રિપેર ન કરતા ઇજારદારને નોટીસ આપવા સૂચના

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મંગળવારે પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે કામગિરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન આગામી સમયમાં શહેરમાં નવા 5 બ્રિજ બનાવવા અંગે ચર્ચા થઈ. આ બ્રિજ માટે 500 કરોડનો અંદાજિત ખર્ચ થવાનો છે. નવા બ્રિજ અલકાપુરી, બાજવા, એલ એન્ડ ટી સર્કલ, સુસેન અને વડસર–કોટેશ્વર વિસ્તારમાં બનાવવામાં આવશે. બેઠકમાં કમિશનરે શહેરની સાફસફાઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મુદ્દાઓ પર ખાસ ભાર મુક્યો. શહેરના તમામ ઝોનમાં સઘન સફાઈ અભિયાન ચલાવવાની સૂચના આપવામાં આવી. બ્રિજની નીચેની ગંદકી દૂર કરવા, રોડ પરના ખાડા તાત્કાલિક પુરવા અને જ્યાં જરૂરી હોય ત્યાં રીસર્ફેસિંગ તેમજ પેચવર્ક કાર્ય દિવાળી પહેલાં ઝડપથી કરવા આદેશ અપાયા. પાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં નવીન રસ્તા બનાવવા અને પાણી, ગટર તેમજ કેબલિંગ પછી પેવર બ્લોક રિપેર ન કરતા ઇજારદારને નોટીસ આપવા સૂચના આપવામાં આવી. શહેરના બાગ-બગીચામાં બ્રાન્ડિંગ, ડસ્ટબીન, બાકડાં અને સિક્યુરિટી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની વાત પણ થઈ.

સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ માટે છોડ વિતરણ, જાહેર માર્ગો અને બ્રિજની દિવાલો પર 3D પેન્ટિંગ, અને દિશા સૂચક સાઈન બોર્ડ લગાવવાની સૂચનાઓ આપવામાં આવી. આ ઉપરાંત, સ્વીમીંગ પુલો અને જાહેર સ્થળો પર રંગરોગાન તથા રિપેરિંગ, બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ લાગુ કરવા, ફાયર વિભાગની બાકી રહેલી NOC ફાઈલ ઝડપથી પૂર્ણ કરવા અને બસ સ્ટેન્ડ પર સોલાર સિસ્ટમ લગાવવાના પણ આદેશ આપાયા. આજવા સફારી પાર્કની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તથા તહેવારોના અવસરે પાલિકાની કચેરીઓમાં લાઈટિંગ અને સજાવટ કરવાની પણ યોજના ચર્ચાઈ. સાથે જ હોટમિક્સ પ્લાન્ટની કામગીરી અને સ્વર્ણિમ ગ્રાન્ટના પ્રોજેક્ટોની સમીક્ષા પણ કરવામાં આવી.

Most Popular

To Top