પાલિકા તંત્ર દ્વારા રેલવેના અલકાપુરી કલ્વર્ટ બ્રિજ પર કોમર્શિયલ જાહેરાત કરાવી અનઅધિકૃત રકમ મેળવેલ તે વેસ્ટર્ન રેલવેને પરત આપવાનો કોમર્શિયલ કોર્ટ તથા પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ, વડોદરાનો હૂકમ
*પાલિકાએ રૂ.1,19,05,578 ઉપર વાર્ષિક 12% લેખે રૂ 68,03,186 તથા દાવાની તા.25-11-2008થી ડિક્રી ની તારીખ સુધી ચૂકવવા હૂકમ કર્યો છે અને આ રકમ ડિક્રી તારીખથી ચૂકવવાની તારીખ સુધી વાર્ષિક 9% વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો
(પ્રતિનિધિ) વડોદરા તા.29
અલકાપુરી રેલવે ગરનાળા કલ્વર્ટ બ્રિજ નં.590 પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનઅધિકૃત રીતે જાહેરાતથી મેળવેલ રૂ.1.19કરોડ ઉપરાંતની રકમ વેસ્ટર્ન રેલવેને પરત ચૂકવવાનો હુકમ કર્યો છે.
શહેરના અલકાપુરી ગરનાળું એ કલ્વર્ટ બ્રિજ નંબર 590 સને 1875 માં રેલ્વે મારફતે બનાવવામાં આવેલ હતું અને તેની માલિકી આજદિન સુધી રેલવેની છે. વડોદરા મ્યુનિ .કોર્પો.એ અહીંયાની દીવાલો સાંઈ એન્ટરપ્રાઇઝ ના પ્રોપ્રાઇટર પ્રકાશ કૃષ્ણકાંત સુર્વે નાઓની સાથે તા. 22-01-2004 ના રોજ કરાર કરી જાહેરાતો લગાવવા માટે પરવાનગી આપેલ હતી.અને આ જાહેરાતોથી મળતી આવક અનઅધિકૃત રીતે વડોદરા મ્યુનિ. કોર્પો.એ મેળવેલ હતી. જે રકમ વસૂલ કરવા માટે વેસ્ટર્ન રેલ્વે વડોદરા મ્યુનિ .કોર્પો. વ્યાજ સહિત રકમ વસૂલવા તથા ગરનાળાની માલિકી નક્કી કરવા દાવો દાખલ કર્યો હતો. દાવાના કામે જિલ્લા સરકારી વકીલ તથા રેલવેના પેનલ સિનિયર એડવોકેટ અનિલ એમ. દેસાઇ હાજર રહ્યાં હતાં અને દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા તેમજ લેખિત- મૌખિક દલીલો કરી હતી કોર્ટે તેઓની દલીલો ગ્રાહ્ય રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુધ્ધ દાવાના કામે હૂકમ કર્યો છે.
તા.19-09-2016 ના રોજ પ્રતાપનગર વેસ્ટર્ન રેલ્વે ખાતે ઉચ્ચ હોદ્દેદારોની એક મીટીંગ ડી.આર.એમ. ની ચેમ્બરમાં યોજવામાં આવી હતી જેમાં વડોદરા મ્યુનિ.કમિ. તેમજ અન્ય ઉચ્ચ હોદ્દેદારો તથા રેલવેના ડિવિ. મેનેજર તમામની હાજરીમાં મીટિંગની મિનિટ્સ નક્કી કરાઇ હતી.તેમાં અલકાપુરી ગરનાળાનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે કરવો નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હતી છતાં પણ વડોદરા મ્યુનિ. કોર્પો.એ દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાત આપી ટેન્ડર મંગાવી વાણિજ્ય હેતુ માટે સાઈ એન્ટરપ્રાઇઝ મારફતે જાહેરાતો કરાવી અનઅધિકૃત રીતે આવક મેળવેલ જે પરત કરવા કોર્ટે હુકમ કરેલ છે.
વડોદરાની સિવિલ કોર્ટમાં યુનિયન ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર વેસ્ટર્ન રેલ્વે ચર્ચ ગેટ મુંબઈ તથા ડિવિ. રેલ્વે મેનેજર વેસ્ટર્ન રેલ્વે તથા સિનિ. ડિવિઝન કોમર્શિયલ મેનેજર વેસ્ટર્ન રેલ્વે પ્રતાપનગર, વડોદરા નાઓએ વડોદરા મ્યુનિ. કમિ. વડોદરા મહાનગર સેવા સદન નાઓ વિરુધ્ધ અલકાપુરી ગરનાળાની માલિકી તથા રૂ. 1,19,05,578/- 18 % ના વાર્ષિક વ્યાજ સાથે રિકવર કરવા માટે દાવો કર્યો હતો આ દાવાના કામે તમામ પ્રકારના પુરાવાઓ બંને પક્ષકારો એ રજૂ કર્યા હતા.પુરાવાના અંતે દલીલો બાદ પ્રિસાઇડિંગ ઓફિસર કોમર્શિયલ કોર્ટ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ વડોદરાના જે. જે. ભટ્ટ દ્વારા તા.28-07-2025 ના રોજ ચુકાદો
વેસ્ટર્ન રેલ્વે વડોદરાની તરફેણમાં હાલનો દાવો અંશતઃ મંજૂર કર્યો છે અને વડોદરા શહેરમાં આવેલ અલકાપુરી ગરનાળા જે અલકાપુરી કલ્વર્ટ બ્રિજ નં.590 થી ઓળખાય છે. તેની કાયદેસરની માલિકી વેસ્ટર્ન રેલવેની છે તેવું ઠરાવેલ છે.સાથે સાથે વડોદરા મ્યુનિ. કોર્પો. ને જે કોમર્શિયલ જાહેરાતો મારફતે રૂ. 1,19,05,578 ચૂકવવાનો હુકમ કર્યો છે.આ રકમ ઉપર વાર્ષિક 12% લેખે રૂપિયા 68,03,186 તથા દાવાની તા. 25-11-2008 થી ડિક્રીની તારીખ સુધી ચૂકવવાનો હુકમ કર્યો છે.અને આ રકમ ડિક્રી તારીખથી ચૂકવવાની તારીખ સુધી વાર્ષિક 9 % વ્યાજ ચૂકવવાનો હુકમ કરેલ છે. સાથે જ વડોદરા મ્યુનિ .કોર્પો. ને મનાઈ હુકમ સાથે અલકાપુરી ગરનાળુ કોઈપણ સંસ્થાને લીઝ થી, લાઈસન્સ થી કે જાહેરાતથી કોઈપણ થર્ડ પાર્ટીને ઉપયોગ કરવા આપવું નહીં તથા દિવાલો અને બાંધકામ તથા તેને જોડતો વિસ્તાર વાણિજ્યિક હેતુ માટે આપવો નહીં.તથા વડોદરા મ્યુનિ. કોર્પો.ને 60 દિવસની અંદર અનઅધિકૃત હોર્ડિગ્સ તથા જાહેરાતના બોર્ડ દૂર કરવા સાથે જ દાવાનો ખર્ચ કોર્ટે વાદી વેસ્ટર્ન રેલવેને અપાવેલ છે.