વરસાદી ગટરના યોગ્ય પુરાણ વિના રસ્તો બેસી ગયો; તંત્રની નિષ્ક્રિયતાથી ટ્રાફિક અને વાહનચાલકો હાલાકીમાં

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા નાખવામાં આવેલી વરસાદી ગટરની કામગીરીમાં ઈજારદારે યોગ્ય પુરાણ ન કરતાં રોડ બેસી ગયો છે. પરિણામે, ધમધમતા વિસ્તારમાં એક આઇસર ટેમ્પો રસ્તામાં ફસાઈ ગયો.

લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં કોઈ જવાબદાર અધિકારી કે તાત્કાલિક સેવા સ્થળ પર પહોંચી નથી.

અલકાપુરી જેવો પોશ વિસ્તાર હોવા છતાં, આવા વિકાસકામ અને ગટરની કામગીરીમાં બેદરકારીના કારણે નાગરિકોને રોજબરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અગાઉ પણ શહેરના અન્ય વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરોની ઢીલી કામગીરી અને તંત્રની બેદરકારી સામે નાગરિકો અને પ્રતિપક્ષ દ્વારા વિરોધ નોંધાયો છે.
સ્થાનિકો અને વેપારીઓએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી, રસ્તાની યોગ્ય મરામત અને ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માંગ કરી છે.