શહેરમાં નકલી જન્મના દાખલા બાદ બોગસ ફાયર એનઓસીનો સિલસિલો યથાવત
ચીફ ફાયર ઓફિસર આજે પોલીસમાં બોગસ ફાયર એનઓસી મામલે ફરિયાદ આપશે

વડોદરા શહેરમાં નકલી ફાયર એનઓસીનો વધુ એક બનાવ સામે આવતા ફરી ચકચાર મચી છે. આ વખતે હરણી તળાવ પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ માટે નકલી ફાયર એનઓસી તૈયાર કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. દસ્તાવેજમાં ચીફ ફાયર ઓફિસરના નામે સહી કરવામાં આવી છે, પરંતુ તપાસ કરતાં એ સહી ફાયર વિભાગના ભૂતપૂર્વ અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટની હોવાનું જણાયું છે, જ્યારે દસ્તાવેજમાં તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે નિકુંજ આઝદનું નામ લખાયું છે. દસ્તાવેજમાં જાવક નંબર, વોર્ડ ઓફિસનો સિક્કો અને ચલણ નંબર જેવી વિગતો હોવા છતાં સહી અને નામ ન મળતા અધિકારીઓએ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ જે ફોર્મેટમાં દસ્તાવેજ તૈયાર કરાયો હતો, તે પહેલાં પકડાયેલી નકલી ફાયર એનઓસી જેવી જ હોવાનો ખુલાસો થયો છે. વિશેષ વાત એ છે કે, આ નકલી એનઓસીમાં જે બાંધકામ દર્શાવાયું છે તેમાં થયેલા બાંધકામ કરતાં વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ, ફાયર સુરક્ષા બાબતે હકીકતમાં મંજૂરી મળેલી ન હોવા છતાં ભૂલભૂલૈયા પધ્ધતિથી ફોર્મલ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક અંદાજ છે.
હરણી તળાવ નજીકના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ માટે જે નકલી એનઓસી તૈયાર કરવામાં આવી છે તે જયેશ મકવાણાનું કામ હોવાનું લાગી રહ્યું છે. કારણ કે, અગાઉ આજવા રોડ પર આવેલા અર્શ પ્લાઝાની નકલી ફાયર એનઓસી પણ જયેશ મકવાણાએ જ આપી હતી. એ સમયે ફાયર વિભાગે પોલીસમાં અરજી પણ નોંધાવી હતી. હવે મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના દસ્તાવેજો પણ સગવડથી તૈયાર કરવામાં આવ્યા હોવાનું અને તેમાં પણ ફાયર વિભાગને જાણ કર્યા વિના ચીફ ફાયર ઓફિસરના નામનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવતાં મામલો ગંભીર બન્યો છે. ફાયર વિભાગે સમગ્ર બાબતે વધુ તપાસ શરૂ કરી છે અને શક્ય છે કે ફરીથી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવે.
મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે ફાયર વિભાગ ખુલાસો માંગશે
બોગસ ફાયર એનઓસી સમગ્ર મામલો ધ્યાન પર આવ્યો છે. હરણી તળાવ પાસેના મહાલક્ષ્મી કોમ્પલેક્ષના નામે આ બોગસ ફાયર એનઓસી છે. આ મામલે અમે પોલીસમાં ફરિયાદ આપીશું. સાથે જ મહાલક્ષ્મી કોમ્પલેક્ષ પાસે બોગસ ફાયર એનઓસી મામલે ખુલાસો પણ માંગીશું. – મનોજ પાટીલ, ચીફ ફાયર ઓફિસર
અર્શ પ્લાઝાની બોગસ ફાયર એનઓસી મામલે આરોપી શોધવામાં પોલીસ નિષ્ફળ
બે મહિના અગાઉ આજવા રોડના અર્શ પ્લાઝાની બોગસ ફાયર એનઓસી મામલે ફાયર વિભાગ દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી હતી. પરંતુ બે માસ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી પોલીસની તપાસ નિષ્ફળ સાબિત થઈ છે. હવે વધુ એક બોગસ ફાયર એનઓસી સામે આવતા ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. સમગ્ર મામલે ફાયર વિભાગ વધુ એક પોલીસ ફરિયાદ આપશે.