નસવાડી CHCમાં કુટુંબ નિયોજન બાદ મહિલાઓ સાથે અમાનવીય વર્તન
પ્રતિનિધિ | નસવાડી
નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર ગુરુવારે કરવામાં આવતી કુટુંબ નિયોજનની સર્જરી બાદ મહિલાઓ સાથે ગંભીર બેદરકારી દાખવાતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓપરેશન બાદ અર્ધબેભાન અવસ્થામાં રહેલી મહિલાઓને નિયમ મુજબ એમ્બ્યુલન્સમાં સુવડાવી ઘરે મોકલવાની જગ્યાએ, તેમને બેઠી હાલતમાં ઠાંસી-ઠાંસી ભરવામાં આવી અને આશરે 40 કિલોમીટર સુધીની મુસાફરી કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નસવાડી તાલુકાના પીસાયતા અને કુકરડા ગામની મહિલાઓ ગુરુવારે કુટુંબ નિયોજન માટે નસવાડી CHCમાં આવી હતી. સર્જરી બાદ તેમની તબિયત નાજુક હોવા છતાં, તણખલા ખાતેથી બોલાવેલી એમ્બ્યુલન્સમાં એકસાથે પાંચ મહિલાઓને બેસાડવામાં આવી હતી. સાથે દરેક મહિલાનો એક પરિવારજનો પણ હોવાથી કુલ દસ જેટલા લોકો એમ્બ્યુલન્સમાં ભરવામાં આવ્યા હતા.
આમ તો કુટુંબ નિયોજન બાદ મહિલાઓને એમ્બ્યુલન્સની સીટ પર સુવડાવીને મોકલવાનો આરોગ્ય વિભાગનો નિયમ છે, પરંતુ ખર્ચ અને ગ્રાન્ટ બચાવવાના નામે આ માનવતા વિરુદ્ધની રીત અપનાવવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. જો મુસાફરી દરમિયાન કોઈ મહિલાને ગંભીર તકલીફ ઊભી થાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન ઊભો થયો છે.
એક તરફ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગની આવી બેદરકારીથી મહિલાઓને કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય વિભાગ ક્યારે સુધરશે તે હવે જોવાનું રહ્યું.
રિપોર્ટર: સર્વેશ મેમણ