સાંસદના પ્રયાસોથી રેલવે ક્ષેત્રે દાહોદને કેન્દ્રમાં સ્થાન, વંદે ભારત અને સૌરાષ્ટ્ર–દક્ષિણ ગુજરાત માટે નવી ટ્રેનોની માંગ ઉઠી
દાહોદ | તા. 03
રતલામ મંડળમાં સમાવિષ્ટ અને બે રાજ્યોની સરહદે આવેલું દાહોદ શહેર હવે રેલવે સુવિધાઓના મામલે નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યું છે. અમૃત ભારત યોજના અંતર્ગત દાહોદ રેલવે સ્ટેશનની કાયાપલટ થતાં મુસાફરોને આધુનિક સુવિધાઓ મળી રહી છે. મેમુ અને ઇન્ટરસિટી જેવી ટ્રેનો ગરીબ અને મધ્યમ વર્ગ માટે લાઈફલાઈન બની છે અને તેના કારણે રેલવેને પણ નોંધપાત્ર આવક થઈ રહી છે.
હાલ દાહોદ રેલવે સ્ટેશન પરથી 85થી વધુ ટ્રેનો પસાર થાય છે, જેમાંથી 45થી વધુ ટ્રેનો દાહોદ ખાતે રોકાણ કરે છે. રાજધાની, દુરંતો, સુપરફાસ્ટ, મેલ–એક્સપ્રેસ, મેમુ અને ઇન્ટરસિટી જેવી ટ્રેનોનો સમાવેશ થાય છે. તેમ છતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફની રેલ કનેક્ટિવિટી હજુ અપૂરતી હોવાનું જિલ્લાવાસીઓ માને છે.
જંકશન બનવાની દિશામાં દાહોદ
આગામી સમયમાં ઇન્દોર–દાહોદ રેલમાર્ગ શરૂ થતાં જ દાહોદ જંકશનની શ્રેણીમાં આવશે. એશિયાનું સૌથી મોટું કારખાનું અને સિમેન્સનું રેલવે પ્રોડક્શન યુનિટ શરૂ થયા બાદ દાહોદનું રેલવે નકશા પર મહત્વ વધ્યું છે. દિનપ્રતિદિન ઉચ્ચ અધિકારીઓ, વીઆઈપી અને ઉદ્યોગકારો દાહોદ આવી રહ્યા છે.
મધ્યપ્રદેશના અલીરાજપુર, ઝાબૂઆ, ધાર અને રાજસ્થાનના બાંસવાડા સહિતના વિસ્તારોમાંથી આદિવાસી શ્રમિકો રોજગાર માટે દાહોદ આવે છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે સીધી ટ્રેનો ન હોવાને કારણે મોટા ભાગે એસટી બસ પર નિર્ભર રહેવું પડે છે.
નવી ટ્રેનોની માંગ
દાહોદ–અમદાવાદ વચ્ચે મેમુ ટ્રેન, તેમજ દાહોદ–રાજકોટ, ભાવનગર માટે ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ ઇન્દોર–અમદાવાદ, ઇન્દોર–સુરત અથવા ઇન્દોર–મુંબઈ રૂટ પર વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન શરૂ કરી દાહોદ ખાતે સ્ટોપેજ આપવામાં આવે તેવી સમયની માંગ બની છે.
સાંસદના પ્રયાસોથી આશા
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના પ્રયાસોથી અનેક ટ્રેનોના સ્ટોપેજ દાહોદને મળ્યા છે અને રેલવેમાં દાહોદને કેન્દ્રમાં પ્રાધાન્ય મળ્યું છે. જોકે કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી કેટલીક ટ્રેનો હજુ શરૂ ન થતાં અને કેટલીક ટ્રેનોના સ્ટોપેજ હટાવાતા મુસાફરોમાં નારાજગી છે.
જિલ્લાવાસીઓનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાહોદ પ્રત્યેની વિશેષ દ્રષ્ટિના કારણે મોટા પ્રોજેક્ટો મળ્યા છે. હવે જો વંદે ભારત, મેમુ અને ઇન્ટરસિટી જેવી વધુ ટ્રેનો દાહોદને મળે તો દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રેલ કનેક્ટિવિટી મજબૂત બનશે, મુસાફરોને રાહત મળશે અને રેલવેના રેવન્યુમાં પણ વધારો થશે.
રિપોર્ટર: વિનોદ પંચાલ, દાહોદ