Business

અમિતનગર પાસે લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં હોમાયું

વડોદરા પાલિકાની ઘોર નિદ્રા, ઉનાળાની શરૂઆતે જ જળ સંકટનાં એંધાણ

એક તરફ ઉનાળાની તરસ, બીજી તરફ પાલિકાની બેદરકારીનું ‘પૂર’, તંત્રની ઘોર નિદ્રાથી પ્રજામાં રોષ

(પ્રતિનિધિ), વડોદરા. તા.2

વડોદરામાં હજુ તો ઉનાળાની વિધિવત શરૂઆત થઈ છે ત્યાં જ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે. શહેરના કારેલીબાગ, વી.આઈ.પી. રોડ પર આવેલી અમિતનગર સોસાયટી પાસે આજે પીવાના શુદ્ધ પાણીની પાઈપલાઈનમાં લીકેજ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. આ દ્રશ્યો જોઈને એવું લાગતું હતું કે પાલિકાને પાણી બચાવવામાં નહીં, પણ ગટરો ભરાવવામાં વધુ રસ છે. પાઈપલાઈનમાં લીકેજ હોવા છતાં કલાકો સુધી પાણીનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. હજારો-લાખો લીટર શુદ્ધ અને પીવાલાયક પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું અને અંતે ગટરમાં વહી ગયું હતું.

આ એ જ પાણી છે જેના માટે શહેરના અનેક વિસ્તારોમાં લોકો ઓછા પ્રેશર કે ગંદા પાણીની ફરિયાદો કરી રહ્યા છે. પાલિકા દ્વારા કરોડોના ખર્ચે ‘વોટર સેવિંગ’ના પ્રચાર કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. અમિતનગર પાસે જે રીતે શુદ્ધ પાણીની નદીઓ વહી રહી છે, તે જોઈને પસાર થતા નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

પ્રશ્ન એ થાય છે કે, પ્રજા પાસેથી પાણી વેરો વસૂલવામાં તંત્ર જરાય પાછીપાની કરતું નથી, શું પાલિકા પાસે મેન્ટેનન્સ માટે કોઈ આગોતરું આયોજન નથી ? કરોડોના ખર્ચે નખાયેલી નવી લાઈનોમાં વારંવાર ભંગાણ કેમ સર્જાય છે ? શું જવાબદાર અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને માત્ર કાગળ પર કામગીરી કરે છે ? જો માર્ચ મહિનાની શરૂઆતમાં જ આ રીતે પાણીનો બગાડ થશે, તો એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમીમાં વડોદરાવાસીઓએ શું ટીપે-ટીપે પાણી માટે વલખાં મારવા પડશે ? વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે પાયાની જરૂરિયાત સમાન પાણીનું નેટવર્ક આટલું જર્જરિત કેમ છે ?

પાણી એ કુદરતની અમૂલ્ય સંપત્તિ છે. એક બાજુ જળ બચાવવાના શિખામણ આપતા હોર્ડિંગ્સ પાછળ લાખોનો ખર્ચ કરાય છે, અને બીજી બાજુ તંત્રની નજર સામે જ શુદ્ધ પાણી ગટરમાં વહી જાય છે. આ ગંભીર બેદરકારી સામે કડક પગલાં લેવાવા જોઈએ. જો પાલિકા આ પ્રકારે થતા પાણીના લીકેજને રોકવામાં નિષ્ફળ જશે, તો આગામી દિવસોમાં શહેરમાં ગંભીર જળ સંકટ સર્જાઈ શકે છે. વારંવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઈનો લિક થવાની ઘટનાઓ તંત્રની નબળી કામગીરીની સાક્ષી પૂરે છે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ પાલિકાના સત્તાધીશો ઘોર નિદ્રામાંથી જાગે છે કે પછી વડોદરાનું નસીબ ગટરમાં વહેતા પાણી જેવું જ રહેશે ?

Most Popular

To Top