જાંબુઆ બ્રિજ પાસે હાઈવે પર ખાડાઓની ભરમાર :
ટ્રાન્સપોર્ટેશન સહિતના વાહનો ટ્રાફિકમાં ફસાતા તંત્ર સામે બળાપો કાઢ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર જાંબુવા બ્રીજ નજીક ફરી એક વખત મોટો ટ્રાફિકજામ થયો હતો. હાઈવેના રસ્તા પર પડેલા સંખ્યાબંધ ખાડાઓને પગલે દરરોજ થતા ટ્રાફિકજામને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

સ્માર્ટ સિટી વડોદરા શહેર બાદ હવે હાઇવે ઉપર પણ ખાડાઓનું રાજ જોવા મળ્યું છે. અગાઉ પણ ઘણી વખત હાઇવે પર ખાડાઓના સર્જાયેલા સામ્રાજ્યને કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી છાશવારે ઉદ્ભવતી આ સમસ્યાને કારણે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘણી વખત ઇમર્જન્સી વાહનો પણ લાંબા ટ્રાફિક જામમાં ફસાયા છે, તેમ છતાં પણ આજદિન સુધી હાઇવે ઉપર પડેલા ખાડાઓને પુરવામાં નહીં આવતા ફરી એક વખત લાંબો ટ્રાફિક જામ થયો હતો.

વડોદરા શહેર નજીક આવેલા જાંબુઆ બ્રિજ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. હાઇવે ઉપરના રસ્તા પર પડેલા સંખ્યા બંધ ખાડાને પગલે વાહન ચાલકો અટવાયા હતા. આશરે દસ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાન્સપોર્ટના વાહનો પણ ટ્રાફિકમાં અટવાતા તંત્ર સામે બળાપો કાઢ્યો હતો.

જ્યારે બીજી તરફ હાઈવેની આસપાસ કેટલીક સોસાયટીઓ પણ આવેલી છે. દર વખતે ટ્રાફિકજામ થતા લોકો બહાર નીકળી શકતા નથી. જ્યારે બાળકોને પણ શાળામાં લેવા મુકવા જવા માટે પણ ઘણી હાલાકી વેઠવી પડી રહી છે. જ્યારે દર્દીઓની સારવાર માટે જતા ઇમરજન્સી વાહનો પણ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા. જેને પગલે દર્દીઓના જીવને પણ જોખમ ઊભું થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે, આ પહેલા પણ એક મહિનામાં 10 થી વધુ વખત 15 કિમી જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો જેના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.