બાબત શંકાસ્પદ લાગતા મહીસાગર જીલ્લાની પોલીસે મૃતદેહને એફ.એસ.એલ. વિભાગમાં તપાસણી માટે મોકલ્યો
કુદરતી મોત કે હત્યા તે બાબતે અનેક સવાલો!
વડોદરા, તા. ૧૧
મૂળ લુણાવાડા ખાતે રહેતી યુવતી અમદાવાદ ખાતે નર્સિંગના કોર્સનો અભ્યાસ કરતી હતી. ગત નારોજ તે અમદાવાદથી પરત ફરી હતી. જ્યાં તે ઘરમાં રાત્રે ઊંઘ્યા બાદ સવારે ઉઠી ન હોવાથી સમગ્ર પરિવારે રોડકકડ મચાવી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઇ જતા આખરે બનાવ અંગે પોલીસને જાણ થઇ હતી. જેથી પોલીસને યુવતીનું શંકાસ્પદ મોત લગતા તેઓએ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પીટલમાં મૃતદેહ મોકલ્યો હતો. જ્યાં પોલીસે વધુ તપાસ માટે એફ.એસ.એલ. વિભાગમાં તપાસણી અંગે મોકલવામાં આવ્યો હતો.
મૂળ લુણાવાડાના આટાનામુવાડા ખાતે રહેતી ૨૪ વર્ષીય યુવતી અભ્યાસ અર્થે અમદાવાદ ગઈ હતી. અને ત્યાં જ રહીને અભ્યાસ કરતી હતી.સુત્રો અનુસાર આ બાબતે જાણવા મળ્યું હતું કે, ગત મંગળવાર નારોજ તે પરિવારજનોને જાણ કર્યા વિના જ તેના પંચમહાલ ખાતે રહેતા યુવકને મળવા માટે તે તેના ઘરે પહોચી ગઈ હતી. જ્યાં આંતરિક રકજક પણ થઇ હતી. જ્યાં યુવતીનું અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. પરંતુ આ બનાવ અંગે મહીસાગર જીલ્લાના કોઠંબા પોલીસે જણાવ્યું હતું કે, તે પોતાના ઘરે રાત્રે ઊંઘતી હતી અને સવારે ઉઠી ન હોવાથી તેનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. જોકે બનાવ અંગે ચોક્ક્સ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અને એફ.એસ.એલ.માં તપાસ સોપવામાં આવી છે.