Vadodara

અમદાવાદમાં SOP, પણ વડોદરા ગાઈડલાઇન વિહોણું કેમ?

વડોદરામાં ટાવર ક્રેનના ઉપયોગ માટે કોઈ ગાઈડલાઈન જ નહીં!

શહેરી વિકાસ વચ્ચે સુરક્ષાના નિયમોનો અભાવ ચિંતાજનક

વડોદરા શહેરમાં શહેરીકરણની ગતિ સતત વધી રહી છે, અને તેના કારણે હાઈ-રાઈઝ બિલ્ડિંગોના નિર્માણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ બિલ્ડિંગોના નિર્માણ માટે ટાવર ક્રેનનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ટાવર ક્રેનના ઉપયોગ માટે કોઈ સ્પષ્ટ ગાઇડલાઈન જ નથી.

જ્યારે VMCના ટાઉન પ્લાનિંગ વિભાગને ટાવર ક્રેનના નિયમો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે મિકેનિકલ વિભાગ પર જવાબદારી ઢોળી દીધી. બીજી તરફ, મિકેનિકલ વિભાગે ફરી ટાઉન પ્લાનિંગ વિભાગ તરફ આ મુદ્દો ફટકારી દીધો. આ સ્પષ્ટ કરે છે કે વડોદરા શહેરમાં ટાવર ક્રેનના ઉપયોગ માટે કોઈ નક્કર ધોરણો નથી, અને બિલ્ડરો કેવી રીતે અને ક્યાં ટાવર ક્રેન સ્થાપિત કરે છે, તેના માટે પાલિકા દ્વારા કોઈ નક્કી માર્ગદર્શન નથી.

બિલ્ડરો તેમના નિર્માણકાર્ય માટે મોટાભાગે મટીરિયલ જાહેર રસ્તાઓ પર મૂકે છે. VMC દ્વારા સ્ક્વેર મીટર પ્રમાણે ચાર્જ લેવામાં આવે છે, પણ આ કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે. તાજેતરમાં અલકાપુરી વિસ્તારમાં એક બિલ્ડરે રોડ પર મટીરિયલ મુકતા રાહદારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગત વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટાવર ક્રેનના ઉપયોગ માટે SOP (Standard Operating Procedure) જાહેર કરવામાં આવી હતી, જેમાં સલામતી અને નિયમો અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી હતી. પરંતુ વડોદરામાં હજુ સુધી આવા કોઈ નિયમો લાગુ કરવામાં આવ્યા નથી.

ટાવર ક્રેન મોટે ભાગે મુખ્ય રસ્તાઓની ઉપરથી પસાર થતી હોય છે. જો આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના બને, તો તેનો જવાબદાર કોણ હશે? પાલિકા, બિલ્ડર કે ક્રેન ઓપરેટર? આ મહત્ત્વનો પ્રશ્ન છે. શહેરમાં બનેલી આવી સ્થિતિને જોતા, હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ નક્કર પગલાં ભરશે કે નહીં, તે જોવાનું રહ્યું. ટાવર ક્રેનના ઉપયોગ માટે સુરક્ષિત અને નિયમબદ્ધ ગાઇડલાઈન અમલમાં લાવવી ખૂબ જ આવશ્યક છે, નહીં તો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ સામે આવી શકે છે.

Most Popular

To Top