શિવ શક્તિ, જવાહર પાર્ક, જાદવ પાર્ક સહિતની સોસાયટીઓમાં પાણીની તંગી, કોર્પોરેટરે કર્યું નિરીક્ષણ
વડોદરામાં અભિલાષા ચાર રસ્તા પાસે પીવાના પાણીની લાઈન લીકેજ થવાના કારણે પાણી સતત વરસાદી કાંસની ચેનલમાં વહી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ લીકેજના કારણે શિવ શક્તિ સોસાયટી, જવાહર પાર્ક, જાદવ પાર્ક સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી. શહેરમાં પાણીની તંગી વચ્ચે આ પ્રકારની લીકેજની ઘટના સામે આવતા સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર ભાણજી પટેલે સ્થળ પર પહોંચીને વરસાદી કાંસની ચેનલમાં ઊતરી નાજુક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.
સ્થાનિક નિવાસીઓ મુજબ, ઘણા દિવસોથી પાણી પૂરતા પ્રમાણમાં મળતું ન હતું. અનેક વખત પાલિકાને રજૂઆતો કરવા છતાં કોઈ હલ જોવા મળ્યો નહોતો. આજે પાણી લાઈનના લીકેજની જાણ થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક રીપેરિંગના પ્રયાસો શરૂ કર્યા છે. શહેરમાં પાણી બચાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ જો આવી લીકેજ સમયસર શોધી અને દુરસ્ત ન કરવામાં આવે તો હજારો લિટર પાણી વેડફાઈ જાય છે. સ્થાનિકો તંત્ર પાસેથી માંગ કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં આવા કિસ્સાઓ સમયસર ઉકેલાય અને પાણી બચાવવાના પગલાં લેવામાં આવે.
