વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાસેથી એસઓજીની ટીમે અફીણની ડિલિવરી આપવા આવેલા શખ્સ સાથે બે આરોપીની રૂ. 7.65 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછ કરવા માટે બંનેના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે સપ્લાયર છુપાઇને પોતાનું નેટવર્ક ચલાવતો હોય તેને પકડવા માટે એસઓજીની ટીમે મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા છે અને છુપી રીતે સપ્લાયરની શોધખોળ કરી રહી છે.
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રહેતો ભંવરલાલ જયપાલ અફીણનો જથ્થો લઇને આવ્યો હતો અને વડોદરામાં રહેતા દેવજી ખોડા પ્રજાપતિને આપવાનો હોય પોલીસથી ના પકડાય તે માટે શહેરમાંબહાર ગોલ્ડન ચોકડી પાસે અફીણના જથ્થાની ડિલિવરી લેવા માટે ભંવરલાલે દેવજી પ્રજાપતિને બોલાવ્યો હતો. જેવી ડિલિવરી લેવા માટે દેવજી પ્રજાપતિ ત્યાં આવ્યો હતો કે તુરંત એસઓજીની ટીમે બંનેને દબોચી લીધા હતા. બંને આરોપી પાસેથી એસઓજી પોલીસે 6 કિલો 090 ગ્રામ અફીણ સહિત રૂ.6.09 લાખ, મોબાઇલ, બાઇક, મોપેડ તથા રોકડ રકમ મળી રૂ.7.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને આરોપીઓની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપીઓની વધુ પુછપરછ કરવા માટે પીઆઇ એસ ડી રાતડા દ્વારા કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ આપ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ મધ્યપ્રદેશથી અફીણ લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી એસઓજી પોલીસની ટીમે સપ્લાયરને પકડવા માટે મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા છે. કર્મચારીઓ દ્વારા ત્યાં રોકાઈને સપ્લાયરની શોધખોળ કરવા માટે છુપી રીતે તપાસ થઈ છે. ત્યારે ટુકં સમયમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે.