ઈરાન–ઇઝરાયેલ–અમેરિકા તણાવને લઈ ઈંધણ અછતની ચર્ચાએ લોકોને ચિંતિત કર્યા
પેટ્રોલની કોઈ અછત નથી : પંપ સંચાલકોનો સ્પષ્ટ જવાબ, પોલીસ પણ પહોંચી વ્યવસ્થા માટે
જાંબુઘોડા:
સોશિયલ મીડિયામાં ફેલાયેલી પેટ્રોલ અને ડીઝલની અછત તેમજ ભાવવધારાની અફવાઓના કારણે જાંબુઘોડા તાલુકાના પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. લોકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરવા સાથે કારબા લઈને પણ પેટ્રોલ ભરાવવા ઉમટી પડ્યા હતા, જેના કારણે કેટલાક સ્થળોએ ભીડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે ઈંધણ સપ્લાય પર અસર પડશે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જેના પગલે તાલુકાના અનેક લોકો મોડી રાતે પેટ્રોલ પંપો પર પહોંચી પોતાના વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાગી ગયા હતા. કેટલાક લોકોએ તો ભવિષ્યમાં અછત સર્જાશે તેવી આશંકાએ વધારાનું ઈંધણ કારબામાં પણ ભરાવ્યું હતું.

ભીડને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાંબુઘોડા પોલીસ પણ પેટ્રોલ પંપો પર પહોંચી વ્યવસ્થા જાળવી રાખી હતી. બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે પેટ્રોલ અથવા ડીઝલની કોઈ અછત નથી અને રોજની જેમ પૂરતું સપ્લાય ઉપલબ્ધ છે.

તેમ છતાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહી ઈંધણ ભરાવતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક લોકો તો માત્ર આ અસામાન્ય ભીડ જોવા માટે પણ પેટ્રોલ પંપો પર પહોંચી ગયા હતા.
રિપોર્ટર: રમઝાન દીવાન