Vadodara

અનુપમ મિશન દ્વારા પૂજનીય દીદીજીને ‘શાલીન માનવ રત્ન’ એવોર્ડ અર્પણ

વડોદરા: વેમાર ખાતે અનુપમ મિશન દ્વારા આયોજિત એક ભવ્ય સમારોહમાં સ્વાધ્યાય પરિવારની ધુરા સંભાળનાર પરમ પૂજનીય દીદીજી (શ્રીમતી જયશ્રી તળવળકર)ને ‘શાલીન માનવ રત્ન’ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અનુપમ મિશને પરમ પૂજનીય દીદીજીનું અભિવાદન કરતાં જણાવ્યું કે સ્વાધ્યાય પરિવાર માટે આ વર્ષ વિશેષ છે કારણ કે શ્રીમદ્ ભગવદ્ગીતા પાઠશાળાનું ૧૦૦મું વર્ષ, પૂજનીય તાઈજીનું શતાબ્દી વર્ષ અને દીદીજીનું ૭૦મું વર્ષ શરૂ થઈ રહ્યું છે.
પૂજનીય દીદીજીના હૃદયસ્પર્શી ઉદ્દગાર
એવોર્ડ સ્વીકારતા પૂજનીય દીદીજીએ ભાવસભર શબ્દોમાં જણાવ્યું હતું કે,
“ભગવાનની કૃપા અને પ્રેમ કેવો હોય તેની આજે મને પ્રતીતિ થાય છે. પ્રેમનો આવો પણ એક આવિષ્કાર હોઈ શકે છે. પરંતુ આ બધું જે કંઈ છે તે મારા પિતા પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂજનીય દાદાજી) થકી છે.”
પોતાના અને યોગીજી બાપાના સંબંધો વિશે તેમણે જણાવ્યું હતું કે,
“આજે હું એવોર્ડ સ્વીકારવા આવી છું એવું તમને લાગતું હશે, પરંતુ મારું આવવાનું કારણ યોગીજી બાપાનો દાદાજી ઉપરનો અને દાદાજીનો યોગીજી બાપા પરનો અપાર પ્રેમ છે. આજે હું કોઈ એવોર્ડ લેવા નથી આવી પરંતુ ભાઈને મળવા એક બહેન આવી છે.”
તેમણે ઉમેર્યું હતું કે,
“રત્ન એટલે હીરો. હીરાને જેમ પાસા પડે તેમ તેનો પ્રકાશ દેખાય છે. મારી જે કિંમત છે તે મારા ઉપર જેણે પરિશ્રમ કર્યો છે તેના થકી છે.”
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,
“મારી સાહેબદાદા સાથે આ બીજી જ મુલાકાત છે, પરંતુ અમને એવું લાગે છે જાણે વર્ષોથી સંબંધ છે. આજે વ્યક્તિ ‘સંપર્ક’માં રહેવા માંગે છે. પરંતુ ‘સંપર્ક રાખવામાં’ અને ‘સંબંધ રાખવામાં’ ફરક છે. ‘સંપર્કમાં રહેવાનું’ સોશિયલ મીડિયાએ શીખવાડ્યું, પરંતુ ‘સંબંધ બાંધવા’ સ્વાધ્યાયમાં આવવું પડે.”
અનુપમ મિશનના સાહેબદાદાએ જણાવ્યું હતું કે,
“પૂજનીય દીદીજીએ દાદાજીનો વારસો સાચવી રાખ્યો છે અને પરિવારને હૂંફથી બાંધી રાખ્યો છે. આનાથી દાદાજીને થતી પ્રસન્નતા આજના આ એવોર્ડથી પણ વધુ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ એવોર્ડ સ્વીકારીને તમે અનુપમ મિશનનું ગૌરવ વધાર્યું છે.”

Most Popular

To Top