Vadodara

અધિકારીઓને મુખ્ય મથક નહીં છોડવા કલેકટરનો આદેશ

જિલ્લા કલેક્ટર બિજલ શાહે તમામ સબંધિત અધિકારીઓને મુખ્ય મથક નહિ છોડવાનો આદેશ કર્યો

વડોદરા શહેર તેમજ જિલ્લામાં આજે સવારે 8 વાગ્યાથી મેઘરાજાએ બઘડાટી બોલાવવાનું શરૂ કરી દીધુ છે. વડોદરામાં અત્યાર સુધીમાં 13 જેટલો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદને મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે. રાવપુરા પોલીસ સ્ટેશનની બહાર પાણી વધતાં આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ હાથીખાના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોવાથી ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. આવી જ રીતે તાંદલજા વિસ્તારમાં પણ જેપી પોલીસ સ્ટેશનથી લઈને ગામ સુધી જવાના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જવાથી અવરજવર બંધ કરવામાં આવી છે. જેથી અનેક વાહન ચાલકો અટવાયા છે.
આ સ્થિતિ અને હજુ વધુ વરસાદની આગાહીને પગલે કલેકટર દ્વારા અધિકારીઓને મુખ્ય મથક નહિ છોડવાનો આદેશ કરાયો છે. હવામાન વિભાગદ્વારા આગામી સમયમાં વડોદરા શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે જિલ્લામાં સાવચેતી અને તકેદારીના પગલા લેવા જિલ્લા કલેક્ટર બિજલ શાહે તમામ સબંધિત અધિકારીઓને મુખ્ય મથક ના છોડવાનો આદેશ આપ્યો છે.
જેમાં વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેકટરે સૂચનાઓ આપી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે.

કલેકટરે ભારે વરસાદના કારણે રસ્તાઓ, માર્ગો પરના વૃક્ષો પડી ગયેલ હોય તો તાત્કાલિક રસ્તા પરથી દુર કરવાની કાર્યવાહી કરવા, જે રસ્તાઓ પર પાણી ભરાયુ હોય તો પાણીનો નિકાલ કરવા સહિત કોઈ પણ જાનહાનિ કે નુકસાની હોય તો તુરંત જ જિલ્લા ઇમેજન્સી સેન્ટરમાં જાણ કરવા જણાવ્યું છે. નદી કે કાંસ ઉપર પૂલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે.
વડોદરામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાથી સિટી બસ સેવા ખોરવાઈ ગઈ છે. સિટી બસના ગોરવા, સમતા, અલકાપુરી, વાઘોડિયા રોડ, આજવા રોડ, મકરપુરા સહિતના અનેક વિસ્તારો પ્રભાવિત થતાં 25 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. જો હજુ પણ વરસાદ યથાવત રહેશો તમામ રૂટ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત અકોટા ગામ અને ઓપી રોડ, સમા-સાવલી રોડ ખાતે પણ પાણી ભરાઈ જવાથી વાહનોની લાંબો કતાર જોવા મળી હતી.

Most Popular

To Top