કલેક્ટરની સંકલન બેઠકનો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યો બહિષ્કાર
પાદરા અને કરજણના ધારાસભ્યો બહિષ્કારમાં જોડાયા, ડભોઈ અને વાઘોડિયાના ધારાસભ્ય બેઠકમાં હાજર રહ્યા
વડોદરા:
વડોદરા જિલ્લામાં અધિકારીઓની કામગીરીને લઈને ધારાસભ્યોએ અસંતોષ જાહેર કર્યા બાદ શનિવારે મળેલી કલેક્ટરને સંકલન બેઠકમાં આ ધારાસભ્યો વચ્ચે ફૂટ ખુલ્લી પડી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. કલેક્ટર દ્વારા યોજાયેલી સંકલન બેઠકનો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિડિયો સંદેશ જારી કરીને બહિષ્કાર કર્યો હતો. તેમની સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા નહોતા અને બહિષ્કારમાં જોડાયા હતા. જોકે, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેઓ અધિકારીઓની કામગીરીથી સંપૂર્ણ સંતુષ્ટ હોવાનું નિવેદન આપતા ફૂટ બહાર આવી છે . ડભોઈના શૈલેષ મહેતા પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ધારાસભ્યોના આ પગલાંને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને આવતીકાલે મુખ્યમંત્રીના વડોદરા આગમન પૂર્વે આ ઘટનાને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બહિષ્કાર કરનાર ધારાસભ્યોનું માનવું છે કે જિલ્લામાં કેટલાક અધિકારીઓની કામગીરી સંતોષજનક નથી અને વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓનો ઉકેલ આવતો નથી.
બીજી તરફ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા. વાઘેલાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ અધિકારીઓની કામગીરીથી સંતોષ ધરાવે છે અને સંકલન બેઠકમાં ભાગ લેવું જરૂરી માન્યું હતું.
આ સમગ્ર ઘટનાએ જિલ્લા રાજકારણમાં ગરમાવો પેદા કર્યો છે. આવનારા દિવસોમાં મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન આ મુદ્દે શું વલણ અપનાવવામાં આવે છે તે તરફ રાજકીય અને વહીવટી વર્તુળોની નજર ટકેલી છે.