ગ્રામજનોનો જિલ્લા પંચાયત કાર્યાલય ખાતે ધસારો, 4 કરોડના કામોની તપાસની માંગ
વડોદરા::વડોદરા જિલ્લાના અણખોલ ગામની ગ્રામ પંચાયત ફરી એકવાર ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને લઈને ચકચારમાં આવી છે. ગામના અનેક રહેવાસીઓ અને પંચાયતના કેટલાક સભ્યોએ વર્તમાન તલાટી જગદીશ સાધુ સામે મોટાપાયે ગેરરીતિના આક્ષેપો લગાવી, જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી તીવ્ર રજૂઆત કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા અંદાજે 4 કરોડ રૂપિયાના વિકાસકામો હાથ ધરાયા છે. પરંતુ ગામજનોનો આરોપ છે કે આ બધા નિર્ણયો પંચાયતના સભ્યોની જાણ બહાર, તેમની મંજૂરી કે સહી વિના જ લેવાયા છે. માત્ર હાજરી પત્રક પર સભ્યોની સહી લેવાઈ છે, જ્યારે કામનાં ઠરાવો અને વર્ક ઓર્ડરની માહિતી ગોપન રાખવામાં આવી છે.
સરકારી નીતિ વિરુદ્ધ ખાનગી જગ્યાઓમાં વિકાસના કામો કરવાના પણ આક્ષેપો થયા છે. ગામજનોનું કહેવું છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તલાટી જગદીશ સાધુ અને તાલુકા વિકાસ અધિકારીની મિલીભગતથી સંભવ બની છે. આક્ષેપ મુજબ, ઉચ્ચ પદાધિકારીઓની મંજુરી વગર આ કામ સંભવ ન હોત.
ગામજનોનો આક્રોશ એ માટે પણ વધી ગયો છે કારણકે આ પંચાયતમાં અગાઉ પણ ભ્રષ્ટાચારનાં બનાવો સામે આવ્યા છે. પૂર્વ સરપંચ તરલિકા પટેલ અને તત્કાલીન તલાટી દિગ્વિજય ઝાલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તે પછી પણ વિવાદાસ્પદ કામ ચાલુ રહેતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
આપેલા લેખિત આવેદનપત્રમાં ગામજનો અને પંચાયત સભ્યોએ માગણી કરી છે કે 4 કરોડ રૂપિયાના અત્યાર સુધી કરવામાં આવેલા તમામ કામોની તટસ્થ તપાસ કરી, ગેરરીતિ સાબિત થાય તો સંડોવાયેલ અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા કચેરીમાં હાજર ન હોવાથી આવેદન તેમના પીએને સુપરત કરાયું.
ગામજનોનું ચિમકીભર્યું નિવેદન છે કે જો આગામી 15 દિવસમાં કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો તેઓ સીધી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવી કાયદેસરની લડત લડશે.