તલાટી જગદીશ સાધુ અને સરપંચે આરોપો ફગાવ્યા
વડોદરા ગ્રામ્યમાં આવેલ અણખોલ ગામમાં તલાટી કમ મંત્રી જગદીશ સાધુ વિરુદ્ધ ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવાતા મામલો તુલ ખેંચી રહ્યો છે. ગામના ગ્રામ પંચાયતના સભ્યોના દાવા અનુસાર, તલાટી દ્વારા પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને ગેરરીતિઓ કરવામાં આવી રહી છે. આ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને તલાટીની તાત્કાલિક બદલી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આજે કેટલાક સભ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, તો સભ્યોએ સામૂહિક રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે.
અણખોલ ગ્રામ પંચાયતના સભ્યોના જણાવ્યા અનુસાર, તલાટી જગદીશ સાધુ 3 સપ્ટેમ્બર, 2024થી પંચાયતના સભાખંડમાં રહેવા આવી ગયા છે, જે અનિચ્છનીય છે. વધુમાં સભ્યો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે, પંચાયતના સભાખંડને પોતાની વ્યક્તિગત વસાહત તરીકે ઉપયોગ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામોની મંજૂરી, ગેરકાયદેસર હરાજીઓ અને ગરીબ લાભાર્થીઓને અવગણના કરી રહ્યા છે. ગામમાં વિકાસકામોની કોઈ મીટિંગ વગર નિર્ણય લેવાય છે. સભ્યોને ધ્યાનમાં લેવામાં આવતા નથી.

ગામના સરપંચ અને તલાટીએ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તલાટી જગદીશ સાધુએ જણાવ્યું કે, “પરેશ પટેલ પોતાનું બિલ પાસ કરાવવા માંગે છે, અને હું કાયદેસરની કાર્યવાહી કરી રહ્યો છું. મારી વિરુદ્ધના આક્ષેપો નિરાધાર છે. જો એકપણ આરોપ સાચો સાબિત થશે, તો હું રાજીનામું આપી દઈશ.”
ગામના સરપંચે પણ સમર્થન આપતા જણાવ્યું કે, “માત્ર બે-ચાર સભ્યો અંગત હિત માટે આ વિરોધ કરી રહ્યા છે. કોઈ ભ્રષ્ટાચાર નથી.”