પૂર્વ સરપંચ અને તલાટી પર પહેલેથી જ કેસ હતો, હવે વર્તમાન તલાટી પર નવા ભ્રષ્ટાચારના આક્ષેપોથી ગ્રામજનોએ જિલ્લા પંચાયતને ગજાવ્યું
વડોદરા: વડોદરા જિલ્લામાં આવેલા અણખોલ ગામમાં ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા હતા. ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં ગેરરીતિઓ થઇ રહી હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જિલ્લા પંચાયત કચેરીએ એકઠા થઈને ત્યાંના અધિકારીઓને રજૂઆત પણ કરી હતી.
ગ્રામજનોએ તલાટી જગદીશ સાધુ પર સીધા ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા. તેમની ફરિયાદ અનુસાર પંચાયતના સભ્યો પાસે ફક્ત હાજરી પત્રક પર સહી લેવાય છે, જ્યારે કામના ઠરાવ પર સભ્યોની મંજૂરી વિના જ વર્ક ઓર્ડર પાસ થઈ જાય છે. એટલું જ નહીં, ખાનગી જગ્યાઓએ પણ તલાટી દ્વારા વિકાસનાં કામ કરાવવાના આક્ષેપો ઉઠાવાયા હતા.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અંદાજે 4 કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યો થયા છે, જેને લઈને તપાસની માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ પણ અણખોલ ગામના સરપંચ તરલિકા પટેલ અને તલાટી દિગ્વિજય ઝાલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ગામલોકોએ આ વખતે વર્તમાન તલાટી તેમજ તાલુકા વિકાસ અધિકારી વચ્ચે મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) મમતા હીરપરા કચેરીમાં હાજર ન હોવાથી ગામલોકોએ તેમના પીએને રજૂઆત કરી હતી. ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો તેઓ હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે.
આ મામલાની તીવ્રતા વધતાં તલાટી જગદીશ સાધુને લિવ રીઝર્વ પર મુકવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ એકતા માકડીયાને નવા તલાટી તરીકે ચાર્જ સોંપાયો છે.