Vadodara

અઢીસો વર્ષોની પ્રણાલી મુજબ, બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા તાજીયા ઠંડા કરાવવામાં આવ્યા*

રાજ્યમાં અનોખા તાજીયા જેને મંદિરના પૂજારી દ્વારા ઠંડા કરાવવામાં આવે છે અને ત્યારબાદ તાજીયાને દફનાવવામાં આવે છે

રવિવારે શહેરના વિવિધ 9 તળાવોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયાનું વિસર્જન કરવામાં આવ્યું*

(પ્રતિનિધિ) વડોદરા તા. 06

શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દસ દિવસ સુધી બેસાડવામાં આવેલા તાજીયાનું મહોરમ પર્વે રવિવારે સરસિયા તળાવ સહિત શહેરના વિવિધ 9 સ્થળોએ તાજીયા જૂલૂસ સાથે ઠંડા કરાવવામાં આવ્યા હતા. ગાયકવાડી શાસન સમયની પ્રણાલી મુજબ હકીમ સાહેબના વાડમાંથી તાજીયાનું બહુચરાજી મંદિર ખાતે મંદિરના પૂજારી દ્વારા પંચદ્રવ્યોનો છંટકાવ કરી અને શ્રીફળ વધેરી તાજીયા ઠંડા કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ તાજીયા ને આજવારોડ ખાતે દફનાવવામાં આવ્યા હતા.



વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ગત તા. 27 જૂન,2025ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં 196 જેટલા તાજીયા બેસાડવામાં આવ્યા હતા. દસ દિવસ સુધી તાજીયા બેસાડ્યા બાદ શનિવારે કતલની રાત મનાવવામાં આવી હતી અને બીજા દિવસે રવિવારે બપોરથી વિવિધ વિસ્તારોમાંથી તાજીયા જૂલૂસ સાથે શહેરના રાજમાર્ગો પરથી નિકળ્યા હતા અને સરસિયા તળાવ સહિત કુલ 9 જગ્યાએ તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા ત્યારે શહેરમાં ગાયકવાડી શાસન સમયની પરંપરા મુજબ ગાયકવાડ સમયના તેમના હકીમ દ્વારા દસ દિવસ સુધી તાજીયા બેસાડ્યા બાદ કારેલીબાગ ખાતે પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવતા હતા. જ્યાં મંદિરના પૂજારી દ્વારા પંચદ્રવ્યોનો છંટકાવ કરી અને શ્રીફળ વધેરી તાજીયા ઠંડા કરાવવામાં આવતા હતા. ત્યારબાદ આ તાજીયા આજવારોડ ખાતે આવેલા ગુલીસ્તા એપાર્ટમેન્ટ ખાતે દફનાવવામાં આવતા હતા . આ રાજ્યમાં જ નહીં પરંતુ ભારતમાં એક માત્ર એવા તાજીયા છે જેને મંદિરના પૂજારી દ્વારા ઠંડા કરાવવામાં આવે છે અને આ તાજીયા દફન કરાવાય છે. જે પ્રણાલી મુજબ રવિવારે હકીમ સાહેબના વાડાથી તાજીયા નિકળ્યા હતા અને કારેલીબાગ સ્થિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં મંદિરના મુખ્ય પૂજારી બીરેન મહારાજ દ્વારા પંચદ્રવ્યોનો છંટકાવ કરી અને શ્રીફળ વધેરી તાજીયા ઠંડા કરાવાયા હતા. અહીં વર્ષોથી ભાઇચારાનું ઉદાહરણ પૂરું પાડતી પ્રણાલી યથાવત જોવા મળી હતી. ત્યારબાદ મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા ને આજવારોડ ખાતે આવેલા ગુલીસ્તા એપાર્ટમેન્ટ ખાતે દફન કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top