વાસદ પોલીસે લૂંટનો ગુનો ચોરીમાં દર્શાવ્યો ?
ચાર શખ્સોએ પતિ – પત્ની અને પુત્રીને લાકડી બતાવી રોકડા અને સોનાની ચેન ઝુંટવી
આણંદના અડાસ ગામમાં દામપુરા સીમમાં રહેતા પરિવારના ઘરમાં ઘુસેલા ચાર અજાણ્યા શખ્સોએ લાકડીઓ બતાવી ધમકાવી ઘરમાંથી રોકડા રૂ.45 હજાર, બે સોનાની ચેઇન, મોબાઇલ મળી 1.48 લાખની મતા ચોરી કરી હતી. જોકે, આ બનાવ લૂંટનો હોવાનો ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે હાલ વાસદ પોલીસે તપાસ હાથ ધરી છે.
અડાસ ગામના દામપુરા સીમમાં રહેતા પરષોત્તમભાઈ બુધાભાઈ રાઠોડ (ઉ.વ.64) ખેતી કરે છે. તેઓની દિકરી સાથે રહે છે. પરષોત્તમભાઈ 12મી ઓગષ્ટના રોજ રાતના નવેક વાગે તેમના પત્ની કમળાબહેન તથા બે દિકરી નેહા તથા રેખા સાથે જમી પરવારી અલગ અલગ રૂમમાં સુઇ ગયાં હતાં. આ દરમિયાન રાતના એક વાગ્યાની આસપાસ પત્ની અને દિકરી નેહાની બુમાબુમથી પરશોત્તમદાસ જાગી ગયાં હતાં. તેમણે જોયું તો બે અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધેલા તેમની પાસે લાકડીઓ લઇ ઉભા હતાં. જેમાના એકે રૂમાલ પર ગરમ વાંદરા ટોપી રહેરેલી હતી. જોકે, પરશોત્તમભાઈ ઉભા થવા જતાં બન્નેએ ધક્કો મારી શેટીમાં સુવડાવી દીધાં હતાં. બાદમાં તેમના પર ગોદડા નાંખી દબાવી દઇ ચુપ હો જા. અબ ખડા મત હોના નહીં તો અચ્છા નહીં હોગા ? તેમ ધમકી આપી હતી. જ્યારે બીજો એક મોઢે રૂમાલ બાંધેલા માણસે રૂમમાંથી પૈસા તથા દાગીના ક્યાં મુક્યા છે ? તેમ કહી રૂમમાં રહેલી તિજોરી ખોલી તેમાં શોધખોળ કરી કપડા – સામાન બહાર ફેંકી પર્સમાં મુકેલા રોકડા રૂપિયા, સોનાની ચેઇન કાઢી લીધી હતી. બાદમાં ચારેય શખ્સ ભાગી ગયાં હતાં. આ ચારેય શખ્સે ચડી પહેરેલી હતી. જેમાં બે શખ્સે ટી શર્ટ તથા બે શખ્સે શર્ટ પહેરેલા હતાં. આ ચારેય મધ્યમ બાંધાના અને 25થી 30 વર્ષના આશરાના હતા.
આ ઘટનાથી કમળાબહેન અને નેહા ડરી ગયા હતા અને જણાવ્યું હતું કે, અમે બન્ને સુતા હતા ત્યારે અચાનક બે શખ્સ દંડા લઇ રૂમમાં આવી દંડા બતાવી ઉભા થવાની ના પાડી હતી. જેમાંથી એક શખ્સે રૂમમાંથી તમારા રૂમ તરફ આંટો મારતો હતો. અમારી પાસેના માણસે નેહાના ગળામાંથી પહેરેલો સોનાની ચેઇન ખેંચી લીધી હતી. જેથી બુમો પાડતાં બન્ને શખ્સે ધમકી આપી હતી. જોકે, સ્વસ્થ થઇ પરશોત્તમભાઈએ આસપાસના લોકોને ભેગા થયાં હતાં. જોકે, તસ્કરો દુર નિકળી ગયાં હતાં. આ અંગે પરશોત્તમભાઈએ વાસદ પોલીસ મથકે ચાર અજાણ્યા ચટ્ટી – બનિયાનધારી શખ્સો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.