મનપસંદ અરજદારોને હવાલાના ટાઉન પ્લાનર ઓફિસરની ઓફિસમાં સીધી એન્ટ્રી
વિભાગના અન્ય સ્ટાફ કર્મચારીઓ પણ હવાલાના ટાઉન પ્લાનિંગ અધિકારી પરિમલ પટણીની કાર્યશૈલીથી પરેશાન

વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અંગે તાજેતરમાં અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલના હવાલાના ટાઉન પ્લાનિંગ અધિકારી પરિમલ પટણી પર અનેક ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. અરજદારોનું કહેવું છે કે વિભાગમાં નિયમિત રીતે કામ નિકાલ ન થતો હોવાને કારણે તેમને વારંવાર ઓફિસના ચક્કર મારવા પડે છે. માહિતી મુજબ, પરિમલ પટણી અરજદારોને અઠવાડિયામાં માત્ર એક જ વાર સાંભળતા હોવાની ચર્ચા છે. રોજ સાંજે તેમની ઓફિસ બહાર અરજદારોની ભીડ જોવા મળે છે, પરંતુ ફાઇલોના ઢગલા થઈ પડી રહે છે. સામાન્ય અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે જ્યારે જાણીતા બિલ્ડરોને સીધી એન્ટ્રી આપવામાં આવે છે. આ કારણે નાના અરજદારોમાં ભારે અસંતોષ છે. અરજદારોના આક્ષેપ મુજબ, પરિમલ પટણી પોતાના મનપસંદ લોકોને બોલાવી કલાકો સુધી ઓફિસમાં બેસાડે છે અને અન્ય અરજદારોને ધક્કા ખવડાવે છે. વિભાગના અન્ય સ્ટાફ કર્મચારીઓ પણ હવાલાના ટાઉન પ્લાનિંગ અધિકારી પરિમલ પટણીની કાર્યશૈલીથી પરેશાન હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં ટાઉન પ્લાનિંગના દિનેશ દેવમુરારી નિવૃત્ત થયા બાદ તેમના સ્થાને પોતાના ઓળખીતાને ગોઠવવા માટે પણ પરિમલ પટણી પ્રયત્ન કરી રહ્યા હોવાના આક્ષેપો છે.
અરજદારોની માંગ છે કે ટાઉન પ્લાનિંગ વિભાગમાં તાત્કાલિક સુધારા કરવામાં આવે. અરજદારોની માંગ છે કે, અરજીઓના નિકાલ માટે ચોક્કસ સમયસીમા નક્કી કરવી જોઈએ જેથી અનાવશ્યક વિલંબ ન થાય. ફરિયાદો માટે ખાસ સેલ બનાવવો જોઈએ જેથી સામાન્ય નાગરિકોને પોતાની ફરિયાદ રજૂ કરવાનો મોકો મળે. અધિકારીઓની બેદરકારી સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવી જોઈએ. આખા વિભાગમાં પારદર્શક અને સ્માર્ટ સર્વિસ સિસ્ટમ અમલમાં મુકવી જોઈએ. અરજદારોનું અને વિભાગના જ કેટલાક અધિકારીઓ, કર્મીઓનું માનવું છે કે ટાઉન પ્લાનિંગ વિભાગમાં પરિમલ પટણીની જગ્યાએ સારા અધિકારીની નિમણૂક થવી જોઈએ અથવા તો કાયમી ટાઉન પ્લાનરની નિમણૂક થવી જોઈએ જેથી સામાન્ય નાગરિકોને યોગ્ય સમયસર સેવા મળી શકે. હાલ ટાઉન પ્લાનિંગ વિભાગમાં અરજદારોની હાલાકી અને અસંતોષ વધતો જતો જોવા મળી રહ્યો છે.