બંધ પડેલી કચરાની ગાડીને ટક્કર મારી કારને અડફેટે લીધી
બ્રિજની દીવાલ સાથે અથડાતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ


( પ્રતિનિધી )વડોદરા,તા.7
અકસ્માત ઝોન તરીકે પ્રસિદ્ધ થયેલા અટલબિજ ઉપર વધુ એક અકસ્માતની ઘટના બની હતી. ડોર ટુ ડોરની ગાડી અને કારને ટક્કર મારી ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો આકસ્માતમાં કાર દિવાલ સાથે દબાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર પરિવારે મહામુસીબતે બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો. બીજી તરફ અકસ્માત ને પગલે અટલબિજ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

શરૂઆતથી જ વિવાદમાં રહેલા વડોદરાના અટલ બ્રિજ પર અનેક વખત અકસ્માતોની ભરમાર જોવા મળી છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી. અટલ બ્રિજ ઉપર એર આવી જતા કચરાનું કલેક્શન કરતી ડોર ટુ ડોરની ગાડી બંધ પડી જતા ચાલક દ્વારા વચ્ચોવચ ઊભી કરી દેવામાં આવી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ટ્રકના ચાલકે ગાડીને નહીં જોતા તેને ટક્કર મારી દીધી હતી. જો કે તેની સાથે સાથે ડાબી બાજુ પર આવી રહેલી કારને પણ બ્રિજની દીવાલ સાથે દબાવી દીધી હતી. જેમાં સવાર મહેતા પરિવારનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આ સર્જાયેલા અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. જ્યારે બીજી તરફ ટ્રકની બ્રેક ન લાગી હોવાના પણ આ સર્જાયેલા અકસ્માતમાં કારના ચાલકે આક્ષેપ કર્યા હતા. અકસ્માતમાં કારને મોટી માત્રામાં નુકસાન થયું હતું. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.