Vadodara

અટલ બ્રિજ પરથી મહિલા નીચે પટકાઈ, અજાણ્યા વાહનની ટક્કર વાગી કે પછી જાતે ઝંપલાવ્યું ?


શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા ફ્લાય ઓવરબ્રિજ ઉપરથી મહિલા નીચે રોડ પર પટકાઈ હોવાની ચકચારી ઘટના બની છે. અટલ બ્રિજ પરથી અચાનક જ મહિલા નીચે પડી હતી. જેને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. મહિલાના નીચે પટકાતા જ તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને પગલે આસપાસના લોકોએ તરત જ 108 ને કોલ કર્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરે સાંજે ગેંડા સર્કલ પાસે એક ચકચારી ઘટના બની હતી. અટલ બ્રિજ પરથી એક આધેડ ઉંમરની મહિલા બ્રિજ પરથી નીચે રોડ પર પટકાઈ હતી. જેને લઈને દુકાનદારો અને રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. મહિલાના નીચે પટકાતા જ તે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા. જોકે, તરત જ આસપાસના ભેગા થયેલા લોકોએ 108 ને ફોન કરી દીધો હતો. થોડીવારમાં જ 108 આવી પહોંચતા મહિલાને સારવાર માટે સારવાર અર્થે ખસેડાઈ હતી. આટલી ઊંચાઈથી પડતા મહિલાની હાલત નાજુક જોવા મળી હતી.


મહત્વનું છે કે, આ ઘટના પર હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. મહિલાએ જાતે નીચે ઝંપલાવ્યું હતું કે પછી તેને ફેંકવામાં આવી હતી? કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવવા પગલું લીધું હતું કે પછી કોઈ વાહને ટક્કર આપતા અકસ્માત સર્જાયો હતો. જેવા અનેક તર્ક-વિતર્ક હાલ ઉભા થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે હાલ તો આ મહિલા કોણ છે, ક્યાં રહે છે, શું નામ છે તેવી કોઈ વિગત સામે આવી નથી. હાલ તો ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્યાં કારણોસર મહિલા બ્રિજ પરથી નીચે પડી તે તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે.

Most Popular

To Top