( પ્રતિનિધી )વડોદરા,તા.14
વડોદરા શહેરના અટલ બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી એક સીએનજી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સત્વરે કારમાં સવાર ત્રણ યુવકો બહાર નીકળી આવતા તેમનો બચાવ થયો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગની લપેટમાં કાર બળીને ખાક થઈ હતી.

વડોદરા શહેરના અટલ બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી. કાર ચાલકે જણાવ્યું હતું કે, ગેંડા સર્કલથી રેસકોર્સ ગાડીમાં ગેસ ભરાવવા માટે જઈ રહ્યા હતા સિગ્નલ પર ઊભા હતા. એટલામાં પેટ્રોલની ગંધ આવી એટલે મેં મારા મિત્રને કીધું કે, આપણી ગાડીમાંથી તો નથી આવી રહીને. જેથી જોવા માટે ઉતર્યા કે અચાનક નીચેથી બ્લાસ્ટ થયો, એટલે અમે બધા ગાડીની બહાર આવી ગયા હતા.

અમે ગાડીમાં ત્રણ મિત્રો હતા અને અચાનક ગાડીમાં આગ લાગી ગઈ હતી. વડીવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, અમને કોલ મળ્યો હતો કે ગેંડા સર્કલ પાસે એક ગાડીમાં આગ લાગી છે. જેથી સ્થળ પર આવીને તપાસ કરતા સીએનજી કાર હતી. તેમાં જે માલિક હતા તે સાથે બીજા યુવકો બહાર ઉતરી આવ્યા હતા. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આગમાં આગળના બોનેટનો ભાગ અને અંદરની સીટો બળી ગઈ હતી.